સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરીથી રિવર રાફ્ટીંગ શરૂ થતાં પ્રવાસીઓમાં ઉત્સાહ
નર્મદા: હવે બે દિવસ બાદ ક્રિસમસનું વેકેશન શરૂ થશે. ત્યારે ગુજરાતી સહેલાણીઓ માટે સારા સમાચાર આવ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ૧૦ દિવસથી રિવર રાફ્ટીંગ બંધ હતું જેને શરૂ કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે તે ૧૦ દિવસ રીવર રાફ્ટીંગ બંધ રહેવાને કારણે ૫ લાખથી વધુનું નુકસાન થયું છે. આ સુવિધાનો પ્રારંભ નર્મદા નદીનાં કાંઠે આવેલા ખલવાણી ગામેથી કરવામાં આવ્યો હતો.
રિવર રાફ્ટીંગ ૫ કિ.મી. વિસ્તારમાં કરવામાં આવે છે. જે ગોડબોલે ગેટથી સૂર્યકૂંડ સુધીનું છે. પરંતુ જો અહીં પાણી ઓછું થઇ જાય તો તેવી પરિસ્થિતિમાં રીવર રાવફ્ટીંગ બંધ કરી દેવામાં આવે છે. આ ૧૦ દિવસ અહીં પાણી ઓછું થઇ જતાં રાફ્ટીંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે લોકો નિરાશ થયા હતા. પરંતુ આ સમાચાર સાંભળીને ફરીથી પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, આ સ્થળે બારેમાસ ૬૦૦ ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે.
એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે. નદીના વળાંકોને લીધે રાફટિંગ ખૂબ આનંદપ્રદ બની રહેશે. આ જગ્યા જંગલોથી ઘેરાયેલી હોવાથી પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર પણ બનશે. નદીની આસપાસનો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. નદીની ખળખળ વહેતી ધારા અને સુંદર ગાઢ જંગલો પ્રવાસીઓને આકર્ષે છે.