Western Times News

Gujarati News

‘પોલીસની સ્ટ્રેસવાળી નોકરીમાં રમતગમત અને યોગ ફિટ રહેવા માટે ઉપયોગી’

અમદાવાદ ખાતે ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩ના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોલીસ લોન ટેનિસ વિજેતાઓને એવોર્ડ એનાયત કરાયા

પોલીસ લોન ટેનિસ જેવી સ્પર્ધાઓથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર થાય છે: મુખ્યમંત્રીશ્રી

રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩ના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના હસ્તે પોલીસ લોન ટેનિસ વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને ફિટ ઇન્ડિયાનો મંત્ર આપીનેને રમતગમત ક્ષેત્રે લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને દેશના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા છે. ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા પણ લોન ટેનિસ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, તે સરાહનીય છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આવી સ્પર્ધાઓથી વિવિધ રાજ્યના પોલીસ કર્મચારીઓને એકબીજા સાથે સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થાય છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર થાય છે. સાથે જ એકબીજા સાથે વિવિધ સાંસ્કૃતિક બાબતોનું આદાનપ્રદાન પણ કરે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સારા સ્વાસ્થ્ય માટે રમતગમત ખૂબ જ અનિવાર્ય છે. પોલીસની નોકરીમાં શારીરિક અને માનસિક બંને પ્રકારનો સ્ટ્રેસ રહેતો હોય છે. સ્ટ્રેસવાળી પોલીસની નોકરીમાં રમતગમત અને યોગ જેવી પ્રવૃત્તિઓ ફિટ રહેવા માટે ખૂબ જ ઉપયોગી બનતી હોય છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે પહેલી વખત આ ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપની યજમાની કરી છે, જે માટે સમગ્ર રાજ્ય ગૌરવ અનુભવે છે. મુખ્યમંત્રીશ્રીએ આ સફળ આયોજન બદલ ડીજીપી વિકાસ સહાય અને ગુજરાત પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બોર્ડ દ્વારા થતી આવી ઉમદા કામગીરી ભવિષ્યમાં પણ આ રીતે યોજાતી રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના ચેરમેન શ્રી રાહુલ રસગોત્રા, અમદાવાદનાં મેયર શ્રી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી નરહરિ અમીન, અને હસમુખ પટેલ, ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, વિવિધ રાજ્યમાંથી આવેલ લોન ટેનિસ પોલીસ ટીમ, તેમજ જિલ્લા અને રાજ્યના વિવિધ પોલીસ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૪મી ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩માં વેટરન્સ ડબલ્સ, વેટરન્સ સિંગલ્સ, ઓપન ડબલ્સ, ઓપન સિંગલ્સ, ટીમ ઇવેન્ટ ચેમ્પિયનશિપ તેમજ રોલિંગ ટ્રોફી ચેમ્પિયન જેવી વિવિધ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં રોલિંગ ટ્રોફી ચેમ્પિયનમાં ટીમ મેનેજર શ્રી રાહુલ બલિયાન (એસપી) (આઇ.ટી.બી.પી)ને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. આ સિવાય ઓપન ડબ્લસ ચેમ્પિયનમાં ગુજરાત તરફથી શ્રી રવિરાજસિંહ જાડેજા વિજેતા રહ્યા હતા. દેશના વિવિધ રાજ્યોમાંથી પધારેલ કુલ ૨૨ પોલીસ લોન ટેનિસ ટીમની રમતનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.