હવે સ્ટારડમની કોઈ ખાતરી રહી નથી: સંજય ગુપ્તા
મુંબઈ, સંજય ગુપ્તા બોલિવૂડની ફિલ્મોના એવા ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે જે પોતાની સ્ટાઇલિશ અને ધારદાર ફિલ્મો માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે એક ઇન્ટરવ્યૂમાં બોક્સ ઓફિસ સિનારિયો, તેમજ ફિલ્મોના બદલાઈ રહેલાં ટ્રેન્ડ વિશે વિગતે વાત કરી હતી.
છેલ્લા ત્રણ વર્ષમાં બદલાતાં રહેલાં બોક્સ ઓફિસ સિનારિયો વિશે વાત કરતા સંજય ગુપ્તાએ જણાવ્યું હતું કે,“આપણે ૨૦૨૨ અને ૨૩થી કોઈ ખાસ અલગ માહોલમાં નથી. મધ્યમ ને નાના કદની ઓછા બજેટ વાળી ફિલ્મો પણ કંઈ ખાસ ચાલી નથી, તે બહુ સારી નિશાની ન કહી શકાય.
‘મૂંજ્યા’, ‘લાપતા લેડીઝ’ અને ‘આર્ટિકલ ૩૭૦’ સફળ રહી પરંતુ જો તમે કોઈ પ્રોડક્શન સ્ટુડિઓની વાત કરો તો માત્ર એક કે બે જ બચ્યાં છે, આજે કોઈ નાના બજેટની ફિલ્મોને ટેકો આપવા તૈયાર નથી. તેમના સ્ટારની સેફ્ટી જોઈએ છે. તો આ ફિલ્મો ચાલતી હવા છતાં, કોઇને એ બનાવવી નથી.
તેથી આપણે થોડા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ.” આ સમય કઈ રીતે મુશ્કેલીભર્યાે છે, તે અંગે સમજાવતા સંજય ગુપ્તાએ કહ્યું,“જેમકે, અજય દેવગન, તેની ‘શૈતાન’ ચાલી પણ ‘મૈદાન’ પીટાઈ ગઈ. બંને એક જ મહિનાના અંતરે રિલીઝ થયેલી. ‘મૈદાન’ની સ્ટોરી એવી હતી જે લોકોએ પહેલા જોઈ હોય.
જ્યારે ‘શૈતાન’ની સ્ટોરી એવી હતી જે કોઈએ ન જોઈ હોય. ‘બડે મિયાં છોટે મિંયા’ સાવ નિષ્ફળ રહી, કારણ કે લોકોએ એવી ફિલ્મ જોઈ છે. આપણે અત્યારે જે કન્ટેન્ટ બનાવીએ છીએ એ એવું હોવું જોઈએ જે પહેલાં કોઈએ ક્યારેય ન જોયું હોય. દર્શકોને બિલકુલ નવું જ કન્ટેન્ટ જોઈએ છે.
આખરે આપણી પાસે મનોરંજનના કેટલાં બધાં વિકલ્પો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામેનો સૌથી મોટો પડકાર સ્ક્રિન ટાઇમ છે. આપણે સતત આપણા ફોન પર હોઈએ છીએ. તેથી લોકોની મનોરંજન મેળવવાની જરૂરિયાત બિલકુલ ઘટી ગઈ છે.”
“જો આજે લોકો એકબીજાના મોઢે ફિલ્મના વખાણ નહીં સાંભળે તો ફિલ્મ નહીં ચાલે. પહેલાં સ્ટાર હોય એ ફિલ્મને બીજા કોઈને પ્રતિભાવની જરૂર પડતી નહોતી. લોકો સ્ટાર માટે થિએટર સુધી આવતા હતા, હવે એવું નથી. શાહરુખ ખાને ૫૦૦ કરોડની કમાણી વાળી બે ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’ આપી, પછી ‘ડંકી’એ ૨૫૦ કરોડની જ કમાણી કરી.”
“પેન્ડેમિક પછી બોક્સ ઓફિસ પર જે પણ ફિલ્મો ચાલી છે, પછી તે સાઉથની હોય કે બોલિવૂડની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘આરઆરઆર’ કે ‘જવાન’ આ ફિલ્મોની દરેક ફ્રેમ પાછળ ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિએ અથાગ મહેનત કરી છે. ડિરેક્ટર્સે આળસમાં બધું જ જેમ તેમ જવા દીધું નથી. એ જ વાત ઓડિયન્સને સ્પર્શી ગઈ છે. તેમણે એ વાતની નોંધ લીધી કારણ કે એ લોકો આપણા કરતાં ઘણા સ્માર્ટ છે. અમારું, ફિલ્મમેકર્સનું તો કંઈ જ ન આવે.”SS1MS