Western Times News

Gujarati News

હું મારા ખિસ્સામાંથી સુનીતા વિલિયમ્સને ઓવરટાઇમના નાણાં આપીશઃ ટ્રમ્પ

‘અંતરિક્ષ યાત્રીને સ્પેસ સ્ટેશનમાં લાંબા રોકાણ બદલ ઓવરટાઇમ અપાતું નથી, જ્યારે તેઓ દૈનિક ૫ ડૉલરના હક્કદાર હતા.

વિલિયમ્સ અને વિલ્મોર હેમખેમ પૃથ્વી પર પરત ફર્યા બાદ તેમની આૅવરટાઇમનો મુદ્દો વિશ્વભરમાં ચર્ચાયો

વોશિંગ્ટન,  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાસાના અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પોતાના ખિસ્સામાંથી આૅવરટાઇમ આપવાની જાહેરાત કરી છે.

વિલિયમ્સ અને વિલ્મોર ૯ મહિના અને ૧૩ દિવસ પછી ડ્રેગનયાનમાં બેસીને ૧૮ માર્ચે હેમખેમ પૃથ્વી પર પરત ફર્યા બાદ તેમની આૅવરટાઇમનો મુદ્દો વિશ્વભરમાં ચર્ચાયો હતો, જોકે હવે ટ્રમ્પ તેમનો પોતાના ખિસ્સામાંથી નાણાં આપવાની જાહેરાત કરી છે.

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, ‘નાસા(NASA)ના અંતરિક્ષ યાત્રી વિલિયમ્સ અને વિલ્મોરને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં રહેવા બદલ ઓવરટાઇમ ન મળતો હોવાની વાતથી હું અજાણ છું.’ તેમણે એમ પણ કહ્યું કે, હું અંતરિક્ષ યાત્રીઓના આૅવરટાઇમના ખર્ચને કવર કરી શકું છું.’

વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પનું ધ્યાન દોરવામાં આવ્યું કે, ‘અંતરિક્ષ યાત્રીને સ્પેસ સ્ટેશનમાં લાંબા રોકાણ બદલ ઓવરટાઇમ અપાતું નથી, જ્યારે તેઓ દૈનિક ૫ ડૉલરના હક્કદાર હતા.

તેઓને ૨૮૬ દિવસના કુલ ૧૪૩૦ ડૉલર (ભારતીય રકમ મુજબ ૧ લાખ ૨૨ હજાર ૯૮૦) આપવા જોઈતા હતા.’ ત્યારબાદ ટ્રમ્પે કહ્યું કે, મને આ વાતની માહિતી નથી, પરંતુ જો જરૂર પડશે તો હું મારા ખિસ્સામાંથી પગાર આપીશ. તેઓએ સ્પેસમાં જે સહન કર્યું છે, તે તેમના માટે કોઈ મોટી વાત નથી.’

ત્યારબાદ ટ્રમ્પે સુનીતા વિલિયમ્સ, બુચ વિલ્મોર, નિક હેગ અને રોસ્કોસ્મોસના અવકાશ યાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવને ધરતી પર પરત લાવવા બદલ સ્પેસએક્સના ઈલોન મસ્કનો આભાર વ્યક્ત કર્યો છે. આ તમામ અંતરિક્ષ યાત્રીઓ સ્પેસએક્સના ડ્રેગન અવકાશ યાનમાં સવાર થઈને બુધવાર(૧૯ માર્ચ)ના રોજ ધરતી પર પરત ફર્યા છે.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે, ‘વિચારો, જો આપણી પાસે મસ્ક ન હોત તો શું થાત? ભલે અંતરિક્ષ યાત્રીઓ કેપ્સૂલમાં હતા, જોકે ૯ અથવા ૧૦ મહિના બાદ શરીર ખરાબ થવાનું શરુ થઈ જાય છે. ૧૪-૧૫ મહિના બાદ હાડકાં ખરાબ થઈ જાય છે. જો આપણી પાસે મસ્ક ન હોત તો તેઓ લાંબા સમય સુધી સ્પેસ સ્ટેશનમાં જ રહેતા. નહીં તો મસ્ક સિવાય તેમને ધરતી પર કોણ લાવતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.