ઐતહાસિક ધરોહરની જાળવણી કરવામાં સુરત પાલિકા બેદરકાર
સુરત, સુરતના ન્યુ બોમ્બે માર્કેટ નજીક આવેલા પાલિકાના દબાણ ડેપો માંથી એક સાથે ૧૫થી વધુ ઐતિહાસીક ટોપ મળી આવતા લોકોમાં અચરજ ફેલાઇ હતી. દબાણ ડેપોનું રીનોવેશનનું કામ ચાલી રહ્યું હોય કાટમાળ શિફટ કરતા સમયે તોપ મળી આવી હતી.
વરાછા ઝોને આ અંગે પાલિકાના હેરીટેજ વિભાગને જાણ કરી તોપને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અગાઉ પણ સુરતમાંથી ઘણી જગ્યાએ ખોદકામ દરમિયાન વર્ષો જૂની તોપ મળી આવી હતી.
સુરત પાલિકાના દબાણ ડેપોમાં ઐતિહાસીક તોપ કચરા નીચે વર્ષોથી દબાઇ રહી હોય પાલિકાની હેરીટેજને લગતી કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. સુરત શહેરના ભવ્ય ઇતિહાસ વિશે સૌ કોઈ વાકેફ છે. સદીઓ સુધી સુરત શહેરમાં મુઘલો અને અંગ્રજોનું રાજ રહ્યું હતું. ભવ્ય ઇતિહાસ ધરાવતા સુરત શહેરમાં ખોદકામ દરમિયાન અનેક ઐતિહાસીક ચીજ-વસ્તુઓ મળી આવી છે.
સુરત પાલિકા દ્વારા મળી આવતી ઐતિહાસીક ધરોહરની જાળવણી કરવા વિશેષ હેરિટેજ સેલ પણ બનાવવામાં આવ્યું છે. સીટીલાઇટ ખાતે આવેલા પાલિકાના સાયન્સ સેન્ટરમાં આવી મળી આવેલી ચીજ-વસ્તુઓ પ્રદર્શન માટે મુકવામાં આવી છે.
જોકે આશ્ચર્ય એ વાતનું છે કે, દસ વર્ષ અગાઉ શહેરમાંથી આ તોપ મળી આવી હતી. છતાં તેની જાળવણી કરાઇ ન હતી અને વરાછા દબાણ ડેપોમાં તેને રઝળતી છોડી દેવાઇ હતી. સમય જતાં તેની ઉપર ભંગાર અને કચરો પથરાતો ગયો હતો.
દરમિયાન આજે પાલિકાના દબાણ ડેપોમાંથી આ ૧૫ જેટલી ઐતિહાસિક તોપ બહાર આવતા કુતૂહલ સર્જાયું હતું. પ્રાપ્ત માહીતી અનુસાર શહેરના ઉમરવાડા વિસ્તારની ન્યુ બોમ્બે માર્કેટ પાસે પાલિકાના વરાછા ઝોનનો દબાણ ડેપો આવેલો છે. આ દબાણ ડેપોમાં વર્ષોથી જપ્ત કરેલી લારી, કેબિન સહીતનો કાટમાળ ભેગો કરવામાં આવે છે.
જુના દબાણ ડેપોનું રીનોવેશન ચાલી રહ્યું હોય પાલિકા દ્વારા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવતી હતી ત્યારે કાટમાળ નીચેથી વર્ષો જુની ઐતિહાસીક ૧૫ જેટલી તોપ મળી આવતા અચરજ ફેલાયું હતું. તોપ મળી આવી હોવાનો મેસેજ વાયરલ થતા મોટી સંખ્યામાં લોકો તેને નિહાળવા માટે દોડી આવ્યા હતા. દબાણ ડેપોમાંથી મળી આવેલી ઐતિહાસીક તોપનું વજન ખુબ વધુ છે.
હાલ વરાછા ઝોને આ અંગે મનપાના હેરીટેજ વિભાગને જાણ કરી તોપને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરતમાં આવેલી વર્ષો જુની ઐતિહાસીક ધરોહર જેમ કે ઐતિહાસીક મિલકતો, લાયબ્રેરી, કિલ્લા સહીતના સ્થળનું અસ્તિત્વ જોખમમાં મુકતા પાલિકાએ હેરીટેજ સ્કવેર પ્રોજેક્ટ અંતર્ગત ઐતિહાસીક ધરોહરની જાળવણી કરવામાં આવી રહી છે.
તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. એક બાજુ પાલિકા મિલકતોની જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી હોય ત્યારે બીજી બાજુ આવી ઐતિહાસિક વિરાસત રઝળતી મળી આવતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.SS1MS