પુત્ર તૈમુરને રામાયણ ખૂબજ ગમે છેઃ સૈફ અલી
મુંબઈ: સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન જલદી જ બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે. જો કે, તેમનો દીકરો તૈમૂર જન્મ્યો ત્યારથી જ પાપારાઝીનો ફેવરિટ અને સોશિયલ મીડિયા પર પોપ્યુલર છે.
ગાર્ડનિંગ, પેઈન્ટિંગ કે મસ્તી કરતા તૈમૂરની તસવીરો કરીના ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આ સિવાય જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે પોતાની ધૂનમાં ચાલતો કે ફોટોગ્રાફર્સ સામે હાથ હલાવતા તૈમૂરની તસવીરો અને વિડીયો વાયરલ થતાં રહે છે.
હાલમાં જ સૈફ અલી ખાને એક ઈન્ટરવ્યૂમાં તૈમૂરને લગતી રસપ્રદ વાત શેર કરી છે. સૈફ અલી ખાને ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આજકાલ તૈમૂર રામાયણ જોવે છે.
રામાયણ તૈમૂરને ખૂબ પસંદ છે અને તેને લાગે છે કે તે ભગવાન શ્રીરામ છે. આ ઉપરાંત તૈમૂરને કિંગ આર્થર અને તલવારો વિશે સાંભળવાનું ગમે છે.
હું અને કરીના તેને આ વિશે વાંચી સંભળાવીએ છીએ. તૈમૂરને દાદા મન્સૂર અલી ખાન પટૌડીની જેમ ક્રિકેટમાં રસ છે કે નહીં તે વિશે પણ સૈફે વાત કરી.
એક્ટરે કહ્યું, તૈમૂરને ક્રિકેટ કે ફૂટબોલમાં ખાસ રૂચિ નથી. તૈમૂરને પેઈન્ટિંગ, ડાન્સ કરવો અને ગીતો ગાવા પસંદ છે. તૈમૂરને ભલે ક્રિકેટમાં રસ ના હોય પરંતુ તેના મોટાભાઈ ઈબ્રાહિમને ક્રિકેટ પસંદ છે.
ઘણીવાર ઈબ્રાહિમ સ્ટેડિયમમાં રમતો જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનના પિતા મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે.
જો કે, હાલમાં જ કરીનાએ તૈમૂરની એક તસવીર શેર કરી છે. જેમાં તે ક્રિકેટ રમતો જોવા મળે છે. તસવીરમાં તૈમૂર તેની હાઈટ જેટલું જ બેટ પકડીને બોલને મારવાની કોશિશ કરતો દેખાય છે.
કરીનાએ આ તસવીર શેર કરતાં લખ્યું, આઈપીએલમાં જગ્યા છે? હું પણ રમી શકું છું. જણાવી દઈએ કે, કરીના અને સૈફ હાલ તૈમૂર સાથે દિલ્હીમાં છે.