Western Times News

Gujarati News

ઉત્તર ભારતની ટ્રેનોના બુકિંગ આ કારણસર થઈ ગયું છે ‘હાઉસફુલ’

પ્રતિકાત્મક

ટ્રેનોનું વેઈટિંગ લિસ્ટ ૨૦૦થી ઉપર પહોંચી જતાં વધારાના કોચ જોડવા વિચારણા-હોળી પર વતન જવા પરપ્રાંતીયોનો ધસારો

(એજન્સી)અમદાવાદ,ગુજરાતના ઉદ્યોગ-ધંધા સાથે સંકળાયેલા મોટા ભાગના શ્રમિકો પરપ્રાંતના છે. હોળી કે દિવાળીના તહેવારોમાં શ્રમિકો પોતાના માદરે વતન જાય છે. રાજસ્થાન સહિતના રાજ્યોમાં હોળીના પર્વનું ખાસ મહત્વ રહેલું હોવાથી શ્રમિકો હોળીના પર્વ પહેલા ંજ વતન જવા માટે તૈયારીઓ કરવા લાગે છે.

હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે વતન જવા માટે પરપ્રાંતના શ્રમિકો ટ્રેનોમાં રિઝર્વેશન કરાવી રહ્યાં છે. ઘણા શ્રમિકો હોળી પહેલાં જ માદરે વતન જવા લાગ્યા છે. તેના લીધે ઉત્તર ભારત જતી તમામ ટ્રેનોનાં બુકિંગ હાઉસફુલ જોવા મળી રહ્યાં છે. રેલવે દ્વારા પણ પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં લગ્નસરા સિઝનના પગલે અમદાવાદ સ્ટેશનથી અવરજવર કરતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણી ખરી ટ્રેનોમાં તો પગ મૂકવા માટેની પણ જગ્યા નથી એટલું જ નહીં, આવતા મહિને હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે, જેના કારણે પેસેન્જરોની ભીડ ખૂબજ વધવા લાગી છે. દર વર્ષે હોળીનો તહેવાર આવે એટલે રેલવે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી દે છે. રેલવે દર વર્ષે હોળી પહેલાં મોટી સંખ્યામાં હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવે છે. આ વખતે પણ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત ટૂંક સમયમાં થઈ જશે.

અમદાવાદ, સુરત, વાપી, વલસાડ અને સૌરાષ્ટ્રથી ઉત્તર ભારત જતી મોટા ભાગની ટ્રેનો હોળીના પર્વ પહેલાં જ હાઉસફુલ થતાં દર વર્ષની જેમ લોકો બસનાં બુકિંગ તરફ વળ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતનાં અનય શહેરોમાંથી દિલ્હી સહિત ઉત્તર ભારત જતી તમામ ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ ૨૦૦થી ઉપર પહોંચી જતાં વધારાના કોચ જોડવાની વિચારણા કરવામાં આવી રહી છે.

માર્ચના ત્રીજા સપ્તાહમાં હોળી ધુળેટીના પર્વની સાથે માર્ચના અંત તેમજ એપ્રિલમાં મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગ છે એટલે ગુજરાતમાં વસવાટ કરતાં પરપ્રાંતના લોકો વતન જવા ઉતાવળા બન્યા છે.

શહેરમાં રહેતા શ્રમિકવર્ગ સહિત અન્ય લોકોએ પર્વની સાથે લગ્ન પ્રસંગમાં વતન જવા માટે એડવાન્સ બુકિંગ કરાવતાં અમદાવાદથી દિલ્હી સહિત વારાણસી, લખનૌ, ગોરખપુર, પટણા, મુઝફ્ફરપુર સહિત અન્ય શઙેરોમાં જતી ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે, જેમાં સૌથી વધુ વેઈટિંગ સ્લીપર કોચમાં છે. અમદાવાદથી ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળ તરફ જતી ટ્રેનોમાં પણ સીટિંગ અને સ્લીપર કોચ હાઉસફુલ થઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.