ડિલરે કેશથી વાહન ખરીદનાર અનેકના દસ્તાવેજનો ઉપયોગ કરી લોન લઇ લીધી

અમદાવાદ, સાબરમતીમાં શાન ઓટોલીંકના ડિલર સુનિલ ચૌહાણે પૈસા સેરવવા અજબ કિમિયો અજમાવ્યો હતો. શો રૂમમાંથી જે કોઇ રોકડથી વાહન ખરીદે તેના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને તેણે લોન મેળવી લીધી હતી. અનેક વાહન માલિકોના નામે આ પ્રકારે લોન લઇને શો રૂમ બંધ કરી દીધો હતો. સાબરમતી પોલીસે ડિલર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લોન રિકવરી એજન્ટોએ લોન ન ભરનારાઓના વાહનો જપ્ત કરી લેતા આ બાબતનો ભાંડો ફૂટ્યો હતો. વસ્ત્રાપુરમાં રહેતા જયેશભાઇ શિંદેએ ગત ૪ મેએ સાબરમતીમાં શાન ઓટો લિંકમાંથી ૯૪ હજાર રોકડા ભરીને એક્ટિવા ખરીદ્યુ હતું. એક મહિના જયેશભાઈને આરસી બુક મળી તો તેમાં બેન્કનું નામ લખ્યુ હતું.
તેમણે તપાસ કરી તો એક્ટિવા પર લોન લીધી હોવાનું જણાયું હતું. જયેશભાઇએ શાન ઓટો લિંકમાં પૂછપરછ કરતા ભૂલ હોવાથી ફરીથી નવી આરસી બુક આપીશું તેવો જવાબ આપવામાં આવ્યો હતો. તેવામાં જયેશભાઇને એક વ્યક્તિએ ફોન કરીને હપ્તો ન ભર્યાે હોવાથી વાહન સીઝ કરી દેવાશે તેમ કહ્યુ હતું.
જયેશભાઇએ રિકવરી કરનારને વાહન રોકડામાં ખરીદ્યુ હોવાનું કહ્યુ હોવા છતાંય તેમનું એક્ટિવા ઊઠાવીને લો ગાર્ડન ખાતેની ઓફિસે લઇ ગયા હતા.
સ્ટાફે હપ્તા ભરીને છોડાવી જવાનું કહેતા જયેશભાઇએ બેંકમાં તપાસ કરી તો જોધપુર ચાર રસ્તા પર કોટક મહિન્દ્રા બેંકમાં લોન ચાલતી હોવાનું જણાયું હતું.
જયેશભાઈ ફરી શાન ઓટો લિંકના શોરૂમ પર પહોંચ્યા ત્યારે શોરૂમ બંધ હતો. વધુ તપાસ કરતા અન્ય ત્રણ લોકો પણ આ રીતે ભોગ બન્યા હોવાનું ખૂલ્યું હતું. આ મામલે શાન ઓટો લિંકના ડિલર સુનિલભાઈ ચૌહાણ સામે સાબરમતી પોલીસે ફરિયાદ નોંધી છે.SS1MS