બે વર્ષ પહેલા દીકરા અને દીકરીના થયેલા અપહરણનો ભેદ ઉકેલાયો

અમદાવાદ, કૃષ્ણનગર પોલીસ મથકે વર્ષ ૨૦૨૧ માં એક મહિલા આવી અને પોલીસને પોતાની આપવીતી જણાવે છે. જેમાં તેમના દીકરો અને દીકરીનું કોઈ અપહરણ કરી ગયું હોય તેવી હકીકત જણાવતા પોલીસે પણ ગંભીરતા લઈને આ મહિલાના બંને સંતાનોને શોધવા અલગ અલગ ટીમો બનાવી હતી. આ દરમિયાન પોલીસ કર્મીઓએ ભજીયાં, શાકભાજી, ફુગ્ગાથી ભંગાર વેચવાનું કામ કરતો વેશપલટો કર્યો હતો. પોલીસ કર્મીઓની વેશપલટાની તસ્વીરો સાથે આખીય ઘટના પર નજર કરીશું.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું કે સંતાનોના પિતા જ તેને લઈને અન્ય જગ્યા પર ચાલ્યા ગયા છે. જેથી પોલીસે સંતાન અને તેના પિતાને શોધવા માટે અલગ અલગ ટીમો અલગ અલગ જગ્યાઓ પર મોકલી હતી, પરંતુ સંતાન કે પિતાનો કોઈ અતોપતો મળ્યો ન હતો. એક સમયે પોલીસે એવું પણ માની લીધું હતું કે બંને સંતાનોના પિતા તેને લઈને વિદેશ નાસી છૂટ્યા હશે. આ સમગ્ર પ્રક્રિયા વચ્ચે સંતાનોની માતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરાવી તેના બંને સંતાનોની કસ્ટડી મેળવવા પીટીશન દાખલ કરાવી હતી.
જે બાદ સમગ્ર કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ અલગ અલગ મુદ્દાઓને તપાસી આખરે બંને બાળકો અને તેના અપહરણકર્તા એટલે કે બાળકોના પિતાને સુરતમાંથી શોધી કાઢ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જે રીતના તપાસ શરૂ કરવામાં આવી તો પ્રાથમિક તારણ મુજબ બંને સંતાનોના પિતા તેને લઈને ગેરકાયદેસર રીતે વિદેશ ચાલ્યા હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું, પરંતુ પાસપોર્ટ અને અન્ય વિગતો પરથી ખ્યાલ આવ્યો કે તેઓ વિદેશ ગયા નથી.
ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી બંને બાળકોને તેના પિતા સુરતમાં હોવાની માહિતી મળતા પોલીસે સુરતના કામરેજ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. કામરેજ વિસ્તાર ખૂબ મોટો હોવાથી પોલીસે ડોર ટુ ડોર સર્ચ કરવાનું શરૂ કર્યું હતું, જેના માટે પોલીસે શાકભાજી વેચનાર, ફુગ્ગા વેચનાર અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડનાર કર્મચારી તરીકે વેસ પલટો કરી અને સમગ્ર વિસ્તારમાં બાળકોને તેના પિતાની શોધખોળ હાથ ધરી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સફળતા પ્રાપ્ત કરી હતી.
સુરતથી બંને બાળકોને અપહરણકર્તા પિતાને અમદાવાદ લાવીને પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. પતિ પત્ની વચ્ચે અણબનાવ રહેતા પિતાએ બંને બાળકોને લઈને ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ તેઓ સુરતના કામરેજ વિસ્તારમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. બંને બાળકોનો ખ્યાલ કોઈ પરિવારને આવે નહીં તેના માટે પિતાએ પરિવાર સાથે પણ સંબંધ છોડી દીધો હતો.
તો બીજી તરફ કામરેજ વિસ્તારમાં પણ કોઈ સ્થાનિક લોકોને ખ્યાલ ન પડે તેના માટે તે બંને બાળકોને સ્કૂલે પણ મોકલતા નહીં. જાેકે પિતા જે મહિલા સાથે લિવઈનમાં રહેતા તે મહિલાના પતિનું પણ કોરોના સમયે મૃત્યુ થયું હતું અને તેમને પણ બે સંતાનો હતા. પિતા પોતાના બંને સંતાનોને ઘરમાં જ પોતાની જાતે અભ્યાસ કરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસ બંને બાળકોને તેમજ પિતાને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાેકે હવે આવનારા દિવસોમાં પરિવારનો શું ર્નિણય આવે છે તેમજ હાઇકોર્ટ શું આદેશ કરે છે તે જાેવું રહ્યું. SS3SS