કોંગ્રેસમાં કાંઈ લેવાનું નથી-દિશાવિહીન બની ગઈ છે: પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય
ખંભાતના પૂર્વ કોંગી ધારાસભ્ય 2500 કાર્યકરો સાથે કેસરિયા કર્યા
(એજન્સી)ગાંધીનગર, લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત છે. ગઈકાલે જ વિસાવદરથી આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે આજે ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલ કેસરિયા કર્યા છે.
ચિરાગ પટેલ સહિત કોંગ્રેસના ૨૫૦૦ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ તમામ લોકો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે કેસરિયા કર્યાં છે. તો સાથે જ ચિરાગ પટેલેને વિધાનસભાની પેટા ચુંટણીની ટિકિટ મળશે તેવા સંકેત પાટીલે આડકતરી રીતે આ કાર્યક્રમમાં આપ્યા.
ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ અને ટોપી પહેરાવી ચિરાગ પટેલનો પુન ભાજપ પ્રવેશ કરાવ્યો હતો. ત્યારે ચિરાગ પટેલ ભાવુક થયા હતા. તેમણે પોતાના મત વિસ્તારમાં પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા સરકાર સામે માંગણી કરી હતી. ચિરાગ પટેલને આવકારતા સીઆર પાટીલે કહ્યું કે, દેશ રામ મય હોય અને ખંભાત બાકી રહે તે ન ચાલે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જીગર જોઇએ. ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ચિરાગ પટેલ કહ્યું હતું કે, કોંગ્રેસમાં કાંઈ લેવાનું નથી. કોંગ્રેસ દિશાવિહીન બની ગઈ છે.
રામ મંદિરનો વિરોધ કરે ત્યાં હું ના હોઉં. બીજી બાજુ, સી.આર પાટીલે ચિરાગ પટેલના વખાણ કરતાં કહ્યું હતું કે, ધારાસભ્ય માટે રાજીનામું આપવા કલેજુ જોઈએ. ચિરાગ પટેલને અભિનંદન. વિકાસ માટેની જ માગ કરી, કોઈ શરત નહીં. વિકાસની વાત કરતાં-કરતાં ગળગળા થઈ ગયા. ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા તેને સવા વર્ષ પણ નથી થયું ત્યાં તો વિધાનસભા ભંગ થઈ ચુકી છે.
ચાર ધારાસભ્યો અત્યાર સુધી રાજીનામું આપી ચુક્યા છે. જેમાં વિસાવદરથી આપ ના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી, ખંભાતથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ, વિજાપુરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી. જે. ચાવડા અને વાઘોડિયાથી અપક્ષના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. જેમાં ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ચુક્યા છે.
ચિરાગ પટેલ આજે જોડાયા છે. અન્ય બે નેતાઓ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮૨ બેઠકો છે. જેમાંથી ભાજપને ૨૦૨૨ની ચૂંટણીમાં ૧૫૬ બેઠકો મળી હતી. કોંગ્રેસના ૧૭ જ્યારે આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી હતી. અન્યને ચાર બેઠકો મળી હતી. જેમાંથી કોંગ્રેસના બે ધારાસભ્યો તૂટ્યા છે.
આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય જ્યારે અપક્ષના એક ધારાસભ્યએ પદ છોડી દીધું છે. જેથી હાલની ગુજરાત વિધાનસભાની સ્થિતિ કાંઈક આવી છે. ભાજપ પાસે ૧૫૬ ધારાસભ્યો, કોંગ્રેસ પાસે ૧૫ ધારાસભ્યો છે. તો આમ આદમી પાર્ટી પાસે ૪ અને અપક્ષ માટે ૩ ધારાસભ્યો છે. જે બેઠકો પરથી રાજીનામા પડ્યા છે તેના પર જલ્દી જ પેટાચૂંટણી આવી શકે છે.