USAમાં ગુજરાતીઓનો કપરો સમય હવે શરૂ થવાની તૈયારીમાં છે?
અમદાવાદ, અમેરિકાની હાલની વસ્તી ૩૩ કરોડથી પણ વધારે છે, જેમાં એક કરોડથી વધારે લોકો ઈલીગલી રહેતા ઈમિગ્રન્ટ્સ છે. એક અંદાજ અનુસાર હાલ દેશમાં રહેતા ૧.૧ કરોડ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સમાંથી લગભગ ૭૦ લાખ જેટલા લોકોનો રેકોર્ડ આઈસીઈ એટલે કે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ પાસે છે, જેમાંથી ૧૩ લાખ જેટલા ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાના ઓર્ડર પણ થઈ ચૂક્યા છે, પરંતુ તેમ છતાંય તેઓ અમેરિકામાં જ છે. સ્વાભાવિક છે કે આ ૧૩ લાખ લોકોમાં ગુજરાતીઓની સંખ્યા પણ ઓછી નહીં હોય.
અમેરિકાની સરકાર ધારે તો આ લોકોને તાત્કાલિક ધોરણે પોતપોતાના દેશ મોકલી શકે છે, પરંતુ તકલીફ એ છે કે ડિપોર્ટેશનનો ઓર્ડર થયા બાદ આ લોકો ગાયબ થઈ ગયા છે અને હાલ તેઓ ક્યાં છે તેની સરકારને કોઈ માહિતી નથી.
આવી જ રીતે વર્ષો પહેલા અમેરિકા ગયેલા ઘણા ગુજરાતીઓ બોર્ડર પર પકડાયા વિના જ મેક્સિકોથી અમેરિકામાં ઘૂસવામાં સફળ થયા હતા અને હાલ પણ તેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ નથી. જોકે, આગામી એકાદ વર્ષમાં આવા લોકોની તકલીફ વધી શકે છે અને તેનું કારણ હશે ૨૦૨૫માં અમેરિકામાં થનારો સંભવિત સત્તાપલ્ટો.
સૌ કોઈ જાણે છે કે અમેરિકામાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે અને હાલની સ્થિતિમાં પ્રવર્તમાન પ્રેસિડેન્ટ બાઈડનને ટક્કર આપી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પનું પલ્લું ભારે લાગી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા ઘણા સમયથી અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સના મુદ્દાને ખાસ્સી હવા આપી છે, અને હવે તેમણે જો પોતાને સત્તા મળે તો અમેરિકામાં ઈલીગલી રહેતા લોકોને હાંકી કાઢવા માટે મિલિટરીનો ઉપયોગ કરવાની સાથે ડિટેન્શન કેમ્પ્સ પણ ઉભા કરવાની વાત કરી છે.
ટ્રમ્પે પોતાના શાસનકાળ દરમિયાન ૨૦૧૮-૧૯ના વર્ષમાં મેક્સિકો બોર્ડર પરથી આવતા માઈગ્રન્ટ્સની સંખ્યા વધતા બોર્ડર પર મિલિટરી તૈનાત કરવા માટે પણ પ્રયાસ કર્યા હતા.
હાલ અમેરિકામાં રેકોર્ડ સંખ્યામાં માઈગ્રન્ટ્સ આવી રહ્યા છે, ત્યારે ટ્રમ્પ ફરી એકવાર મિલિટરી સ્ટાઈલથી તેમના પર લગામ કસવાની સાથે તેમને મોટી સંખ્યામાં ડિપોર્ટ કરવા માગે છે. અમેરિકાએ ૧૯૫૪માં આઈઝેક હોવરના શાસનકાળમાં ઓપરેશન વેટબેક શરૂ કર્યું હતું,
જેના હેઠળ ૧૦ લાખથી પણ વધુ માઈગ્રનટ્સને ડિપોર્ટ કરાયા હતા જેમાંના મોટાભાગના મેક્સિકન્સ હતા. ટ્રમ્પ હવે ફરી આવું જ કંઈકકરવાની વાત કરી રહ્યા છે.
ટ્રમ્પના કેમ્પેઈનની પ્રવક્તા કેરોલિન લીવિટનું એવું કહેવું છે કે અમેરિકામાં રહેતા અનડોક્યુમેન્ટેડ માઈગ્રન્ટ્સનો હવે ઘરભેગાં થવાનો સમય આવી ગયો છે, કારણકે ટ્રમ્પ સત્તા સંભાળતાની સાથે જ પોતાની જૂની નીતિઓ ફરી લાગુ કરવાના છે અને અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવા માટે દરેક સંભવ પ્રયાસ કરવાના છે.
ટ્રમ્પની બીજી ટર્મમાં અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું ડિપોર્ટેશન ઓપરેશન શરૂ કરવામાં આવશે તેવો પણ તેમનો દાવો છે. ટ્રમ્પે પોતાની પહેલી ટર્મ શરૂ કરતા પહેલા પણ આવી જ વાતો કરી હતી, પરંતુ તેમના નજીકના લોકોનું હવે એવું કહેવું છે કે ટ્રમ્પની બીજી ટર્મમાં આ કામ વધુ અસરકારક રીતે થઈ શકશે.
અમેરિકાની સત્તા સંભાળવાનો અનુભવ ધરાવતા ટ્રમ્પ હવે જો ફરી પ્રમુખ બનશે તો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીમાં વધુ ઓફિસર્સને તૈનાત કરશે, અને તે એવા લોકો હશે કે જે ટ્રમ્પની પોલિસીમાં અડચણરૂપ બનવાને બદલે તેમના ઓર્ડરનું ઝડપથી પાલન કરશે.
ટ્રમ્પે પોતાના કેમ્પેઈનમાં એવો પણ દાવો કર્યો છે કે જો પોતે ચૂંટણી જીતી ગયા તો પ્રેસિડેન્ટ બન્યાના પહેલા જ દિવસે તે એÂક્ઝટક્યુટિવ ઓર્રડ પર સહી કરીને અનડોક્યુમેન્ટેડ માઈગ્રન્ટ્સના અમેરિકામાં જન્મેલા બાળકોને મળેલા પાસપોર્ટ, સોશિયલ સિક્યોરિટી નંબર અને તમામ પ્રકારના ગવર્મેન્ટ બેનિફિટ્સ પાછા ખેંચી લેશે.
ટ્રમ્પના એડવાઈઝર સ્ટિફન મિલરે હાલમાં જ એક પોડકાસ્ટમાં એવું કહ્યું હતું કે જો ટ્રમ્પ ફરી ચૂંટાશે તો મેક્સિકો બોર્ડર સીલ કરી દેવાશે, ત્યાં મિલિટરી ગોઠવવામાં આવશે, નેશનલ ગાર્ડને ફરી એક્ટિવ કરાશે તેમજ ઈલીગલ માઈગ્રન્ટ્સને ઘરભેગાં કરી દેવાશે.
ફરી અમેરિકાના પ્રમુખ બનવા માગતા ડોનાલ્ડ ટ્રમ્પનો મુખ્ય મુદ્દો અનડોક્યુમેન્ટેડ માઈગ્રન્ટ્સનો છે, તેઓ લાખો લોકોને ડિપોર્ટ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ સવાલ એ પણ છે કે હાલની સ્થિતિએ આવું કંઈ કરી શકવું ખરેખર શક્ય છે ખરૂં એક રિપોર્ટ અનુસાર હાલ આઈસીઈ એટલે કે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ પાસે આખા અમેરિકામાં માત્ર છ હજાર ડિપોર્ટેશન ઓફિસર્સ છે.
જો લાખો લોકોને ડિપોર્ટ કરવા હોય તો સ્વાભાવિક છે કે તેની પ્રોસેસ ઝડપથી પૂરી કરવા ડિપોર્ટેશન ઓફિસર્સની સંખ્યા પણ વધારવી પડે, અને તેમની ભરતી કરવાની સાથે ટ્રેનિંગ આપવામાં ઓછામાં ઓછો દોઢેક વર્ષ જેટલો સમય લાગી શકે છે. એટલું જ નહીં, જો ટ્રમ્પના ઓર્ડર પર લાખો અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને ડિટેઈન કરવામાં આવે તો પણ તેમને રાખવા ક્યાં તે એક મોટો સવાલ છે.SS1MS