વિવાદાસ્પદ દૃશ્યો દૂર કરવાની શરતે હાઈકોર્ટે ‘હમારે બારહ’ને મંજૂરી આપી
મુંબઈ, અનુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝને પડકારતી અરજીના પગલે મુંબઈ હાઈકોર્ટે રિલીઝ પર સ્ટે લગાવ્યો હતો. આ કેસમાં અરજદાર અને ફિલ્મમેકર્સ વચ્ચે સમાધાન થતાં હાઈકોર્ટે રિલીઝને શરતી મંજૂરી આપી છે, જેમાં વિવાદાસ્પદ દૃશ્યો દૂર કરવા અને કેટલાક ફેરફાર કરવાનો સમાવેશ થાય છે.
‘હમારે બારહ’ ૭ જૂને રિલીઝ થવાની હતી, પરંતુ કાનૂની ગૂંચના કારણે તેની રિલીઝ ૧૪ જૂન સુધી મુલતવી રખાઈ હતી. મુંબઈ હાઈકોર્ટે સ્ટે ઊઠાવી લીધા બાદ હવે આ ફિલ્મ ૨૧ જૂને રિલીઝ થાય તેવી શક્યતા છે. ફિલ્મની સામે થયેલી અરજીઓમાં દાવો કરાયો હતો કે, કુરાનને મનઘડંત રીતે ટાંકવામાં આવી છે અને તેનાથી મુસ્લિમ ઈસ્લામિક શ્રદ્ધા અને મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે.
તેથી ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવા દાદ માગવામાં આવી હતી. મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ બી.પી. કોલાબાવાલા અને ફિરદોસ પૂનીવાલાની ડિવિઝન બેન્ચે ફિલ્મ નિહાળી હતી અને ત્યારબાદ કેટલાક ફેરફાર સૂચવ્યા હતા. અરજદારો અને ફિલ્મમેકર્સે સૂચિત ફેરફાર સાથે ફિલ્મની રિલીઝ માટે સંમતિ આપી હતી.
આ ઉપરાંત મેકર્સે જરૂરી ફેરફારો કર્યા બાદ સેન્સર બોર્ડમાંથી સર્ટિફિકેટ લેવાની બાંયધરી પણ આપી હતી. જો કે સેન્સર બોર્ડ પાસેથી સર્ટિફિકેટ મળતાં પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવાના મામલે હાઈકોર્ટે રૂ.પાંચ લાખનો દંડ ભરવા હુકમ કર્યાે હતો.
બુધવારે બંને પક્ષ દ્વારા કોર્ટમાં નક્કી થયેલી શરતો મુજબ, ફિલ્મને રિલીઝ કરતાં પહેલા વિવાદાસ્પદ દૃશ્યો અને સંવાદ દૂર કરવામાં આવશે. ફિલ્મમાં ૧૨ સેકન્ડ માટે લખાણ આવશે, જેનીમ કુરાનની આયતને સમાવવામાં આવશે.SS1MS