મ્યુનિસિપલ કોર્પોરેશને વટવામાં બનાવેલ આવાસ માત્ર 10 વર્ષમા જર્જરિત થયા
આવાસ યોજનામાં મોટા કૌભાંડ થયા છે: શહેઝાદખાન પઠાણ
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજયના મુખ્યમંત્રી દ્વારા એક કાર્યક્રમમાં અમદાવાદ મ્યુ.કોર્પોના શાસકો તથા વહીવટીતંત્રને ટકોર કરેલ કે, વિકાસ કામોમાં ગુણવત્તા જળવાતી નથી તેની શાહી હજુ સુકાઈ નથી ત્યારે વટવા ગરીબ આવાસ યોજનાના મકાનોની ગુણવત્તા નબળી હોવાના અને સમગ્ર પ્રોજેક્ટ માં કૌભાડ થયું હોવાના આક્ષેપ કોંગ્રેસ ઘ્વારા કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદ વટવા ખાતે મ્યુ.કોર્પો.દ્વારા ગરીબ લોકો માટે ગરીબ આવાસ યોજનાના ૨૯૩ બ્લોકમાં ૯૫૦૦ આવાસો રૂા. ૨૦૦ કરોડથી વધુ રકમનો ખર્ચ કરીને સને ૨૦૧૧માં બનાવેલ હતાં સામાન્ય રીતે પ્રાઇવેટ કોન્ટ્રાકટરો દ્વારા બનાવેલા મકાનો ૪૦ વર્ષથી પણ વધુ સમય સુધી તે મકાનોને કશું થતું નથી જયારે અમદાવાદ મ્યુ.કોર્પો. દ્વારા સને ૨૦૧૧માં બનાવેલા તે આવાસો દસ વર્ષમાં જ જર્જરીત થઈ જવા પામેલ છે
આ તમામ આવાસોના કામ કુલ ત્રણ કોન્ટ્રાકટર એમ.વી.ઓમની, સિન્ટેક્ષ લી. તથા એમ.એસ.ખુરાના નામના કોન્ટ્રાકટરો દ્વારા આવસો બનાવેલ હતાં અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સને ૨૦૧૪માં આ આવાસોમાં ફલોરીગ બેસી જવા પામેલ હતાં તે સમયે કોંગ્રેસ પક્ષ દ્વારા ગેરરીતી અને ભષ્ટ્રાચાર થયો હોવાનું વારંવાર જણાવ્યુ હતું
વટવાના આવાસોમાં રોડ રસ્તા ડ્રેનેજ, પાણી, દવાખાનું લાઈટ તથા માળખાગત સુવિધાના કોઇ ઠેકાણા નથી મકાનો રહેવાલાયક પણ રહયાં નથી દીવાલોના પ્લાસ્ટર ઉખડી જવા તેમજ આર.સી.સી બાંધકામનાં સળિયા બહાર ડોકાઈ રહ્યાં છે તેમજ ત્યાંના ગરીબ પ્રજાજનો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી બનાવેલ જે હજુ શરૂ જ નથી થઇ હાલ તે પણ જર્જરીત થઈ ગયેલ છે
જે બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ ગુજરાત રાજ્યના મહાલેખાકાર (ઓડીટર જનરલ) દ્વારા તેઓના સને ૨૦૧૬ના અહેવાલમાં સ્પષ્ટ દર્શાવેલ છે તેમ છતાં આ ભાબતે કોઈ કાર્યવાહી થઇ નથી જેથી ભાજપના શાસકો ઓડીટર જનરલના રીર્પોટને પણ ચોળીને પી ગયાં છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સત્તાધારી ભાજપના તત્કાલીન શાસકો દ્વારા ગરીબ આવાસો માટે ગરીબોના પૈસામાંથી ભષ્ટ્રાચાર આચરેલ છે
સાથે સાથે તે આવાસોમાં પ્રાથમિક સુવિધાઓ પણ ખાડે જવા પામેલ છે જે સત્તાધારી ભાજપના ભષ્ટ્રાચારનો સ્પષ્ટ નમુનો છે આ બાબતને ગંભીરતાથી લઇ તે કામના કોન્ટ્રાકટર તેમજ સંબંધિત અધિકારી સામે કડક પગલાં ભરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.