માતાએ દીકરાને વ્યસની મિત્ર સાથે ન જવા ચેતવ્યો- દિકરાએ દંડા વડે મહિલાને ફટકારી
દંડા વડે મહિલાને ફટકારતા સિવિલ લઇ જવી પડી હતી
અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી આધેડ મહિલાએ તેના દીકરાને વ્યસન ધરાવતા યુવક સાથે ન જવા સમજાવ્યો હતો. જો કે, આ અંગે વ્યસન કરનાર યુવકને જાણ થતા તેણે મહિલા સાથે માથાકુટ કરી હતી. ત્યારબાદ દંડા વડે મહિલાને ફટકારી હતી.
જેથી તેને સારવાર માટે સિવિલ લઇ જવી પડી હતી. આ મામલે મહિલાએ યુવક સામે બાપુનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.
શહેરના બાપુનગર વિસ્તારમાં ૫૦ વર્ષિય શૈષકુમારી જયકરણસિંહ ઠાકુર પોતાના પરિવાર સાથે રહે છે. ૧૯મીના રોજ શૈષકુમારી પોતાના ઘરે આંગણામાં હતા. ત્યારે ત્યાં જ રહેતો મલખાનસિંહ રાજબહાદુરસિંહ ચૌહાણ ત્યાં આવ્યો હતો. મલખાનસિંહને નશો કરવાની ટેવ હતી અને શૈષકુમારીનો દીકરો પણ મલખાનસિંહ સાથે વાત કરતો હતો.
જેથી દીકરાને શૈષકુમારીએ મલખાનસિંહ સાથે સબંધ ન રાખવા સમજાવ્યો હતો. આ અંગે મલખાનસિંહને જાણ થતા તે ત્યાં આવી ગાળો બોલવા લાગ્યો હતો અને ગુસ્સે ભરાયો હતો. જેથી શૈષકુમારીએ ગાળો ન બોલવા જણાવતા મલખાનસિંહે તેમને લાફો મારી દીધો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલ મલખાનસિંહ ક્યાંકાથી દંડો લઇ આવ્યો હતો અને શૈષકુમારી પર તુટી પડ્યો હતો.
આ સમયે બુમાબુમ આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને તેમને વધુ મારથી છોડાવ્યા હતા. જો કે, આ સમયે મલખાનસિંહે ધમકી આપી હતી કે, હવે મારું નામ લેશો જો જાનથી મારી નાંખીશ. ત્યારબાદ તે ત્યાંથી પલાયન થઇ ગયો હતો. બીજી તરફ ઇજા થતા શૈષકુમારીને સિવિલ લઇ જવામાં આવ્યા હતા. આ મામલે બાપુનગર પોલીસને જાણ થતા પોલીસ ત્યાં પહોંચી હતી. જ્યાં શૈષકુમારીએ મલખાનસિંહ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.