રર એપ્રિલની સાંજે અમદાવાદમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે
19 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે
અમદાવાદ, લોકસભા ચૂંટણી અંતર્ગત અમદાવાદ શહેરની પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે ઉમેદવારી નોંધાવાની શરૂઆત ગઈકાલથી થઈ ચૂકી છે. અમદાવાદ પૂર્વ બેઠક માટે બે પક્ષના ઉમેદવારોએ કુલ પાંચ ફોર્મ રજૂ કર્યા હતા.
જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર બન્ને મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. દરમિયાન આગામી રર એપ્રિલના બપોરના ૩ઃ૦૦ વાગ્યા પહેલાં નિયમાનુસાર ઉમેદવારી પરત ખેંચવાની હોવાથી તે દિવસે સાંજે ઉમેદવારોનાં આખરી ચિત્ર સ્પષ્ટ થશે.
અમદાવાદ પૂર્વ બેઠક પરથી શહેરના પૂર્વ મેયર અને કોંગ્રેસના સ્થાનિક નેતા હિંમતસિંહ પટેલ ચૂંટણી લડવાના છે. આ બેઠક પર કોંગ્રેસ દ્વારા અગાઉ રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો અને તેનો ભાજપમાં જોડાઈ ગયા છે.
હવે હિંમતસિંહ પટેલનો મુકાબલો ભાજપના હાલના સાંસદ હસમુખ પટેલ સાથે થવાનો છે. જેઓ સતત બીજી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર શહેરના પૂર્વ-ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ભરત મકવાણા સાથે થશે. કોંગ્રેસના ઉમેદવારો દ્વારા આજે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, પંચમહાલ, છોટા ઉદેપુર, વલસાડ અને પોરબંદર બેઠકમાંથી પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે અલગ-અલગ પક્ષના કુલ ર૩ ઉમેદવારો લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરશે.
ભાજપના ૧૬ ઉમેદવારો અને કોંગ્રેસના પાંચ ઉમેદવારો આજે ફોર્મ ભરવાના છે. આ ઉપરાંત ઈન્ડીયા ગઠબંધનના આમ આદમી પાર્ટી (આપ)ના એક ઉમેદવાર પર આજે ફોર્મ ભરે તેવી શક્યતા છે.
આગામી ૧૯ એપ્રિલ સુધી જાહેર રજાના દિવસ સિવાય સવારના ૧૧ઃ૦૦થી બપોરના ૩ઃ૦૦ વાગ્યા સુધી ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે. અમદાવાદ પૂર્વ માટે લાલ દરવાજા ભદ્ર ખાતે આવેલી જિલ્લા પંચાયત કચેરીના પહેલાં માળે અને અમદાવાદ પશ્ચિમ માટે સુભાષબ્રિજ સામે આવેલી કલેકટર કચેરી ખાતેથી ઉમેદવારી પત્ર મેળવીને ભરી શકાશે. આ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી ર૦ એપ્રિલના રોજ સવારના ૧૧ઃ૦૦ વાગ્યાથી સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે.