રસ્તો પુછવાના બહાને ઉભા રાખી અપહરણ કરી યુવકને લૂંટનારા ત્રણ ઝડપાયા
અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામની સીમમાં આરોગ્ય કર્મચારીને માર મારી લુંટ ચલાવનાર ત્રણ આરોપીઓ ઝડપાયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામની સીમમાં લુંટના ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને લૂંટના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબીએ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી લૂંટારૂઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યા વિહાર સ્થિત સોમેશ્વર પાર્કમાં રહેતા મયુરસિંહ પ્રવિણસિંહ ડોડીયા ગત તારીખ ૨૭ મી ડિસેમ્બરના રોજ અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામની સીમ માંથી બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન લાલ કલરની એક્ટીવા ઉપર આવેલ અજાણ્યા ત્રણ ઈસમો બાઈક સવારને રસ્તો પુછવાના બહાને ઉભા રાખ્યા હતા.
અને એક્ટિવા ઉપર બેસાડી પ્રવીણસિંહ ડોડીયાનું અપહરણ કરી દૂર અવાવરુ જગ્યાએ લઈ ગયા હતા અને ચપ્પુ વડે પીઠના ભાગે ઈજા કરી મારમારી બાઈક ચાલકનો મોબાઈલ અને રોકડાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
લૂંટ અંગે અંક્લેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા લુંટના બનાવની ગંભીરતાને લઈ ઈન્ચાર્જ રેન્જ આઈ.જી આર.વી.અંસારી અને જીલ્લાના પોલીસવડા મયુર ચાવડા દ્વારા લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી.
જેના આધારે ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગ દર્શન હેઠળ અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ અને ભરૂચ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અંકલેશ્વર એ ડીવીઝનના પીઆઈ એચ.બી.ગોહિલ અને એલ.સી.બી ઈન્ચાર્જ પી.આઈ એમ.એમ.રાઠોડ નાઓએ ટીમો સાથે સ્થળ વીઝીટ કરી આસપાસના સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ, હ્યુમન ઈન્ટેલીજસથી અલગ અલગ થીયરીના આધારે ઝીણવટભરી રીતે તપાસ હાથધરી હતી.
તે દરમ્યાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર તાલુકાના જુના દીવા ગામની સીમમાં બનેલ લુંટના બનાવમાં માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફૈઝાન અસ્લમ શેખ અને મોટી નરોલી ગામનો સમીર નાશીર શેખ સંડોવાયેલ છે અને તે ત્રણેય કોઠવા ગામે દરગાહ પાસે ઉભા છે.જેવી બાતમીના આધારે પોલીસ ટીમોએ વોચ ગોઠવી હતી
અને બાતમી વાળી જ્ગ્યા ઉપરથી ત્રણેય આરોપીને પકડી તેઓની પૂછપરછ કરતાં તેઓએ ત્રણેય ઇસમો ભાંગી પડેલ અને મયુર શાહના પપ્પાની રમકડાની દુકાન હોય અંકલેશ્વરની વાલીયા ચોકડી ખાતે દુકાનનો સામાન લેવા માટે ત્રણેય એક્ટિવા લઈને આવ્યા હતા અને પૈસાની જરૂર હોય જેથી ત્રણેય ભેગા મળી લુંટ કરવાનું નક્કી કર્યું હતું.