Western Times News

Gujarati News

UKએ સ્ટડી વિઝા ઈશ્યૂ કરવાનું ઘટાડી દીધું, છતાં ભારતીયોને સૌથી વધુ વિઝા આપ્યા

નવી દિલ્હી, યુકેની કોલેજો અને યુનિવર્સિટીઓ દુનિયાભરના સ્ટુડન્ટ્‌સને આકર્ષી રહી છે. જોકે, તાજેતરમાં સ્ટુડન્ટ વિઝાને લઈને પોલિસીમાં થયેલા ફેરફારના કારણે સ્ટડી વિઝા ઈશ્યૂ કરવાનું પ્રમાણ ઘટી ગયું છે.

યુકે સરકારના લેટેસ્ટ આંકડા મુજબ ૨૦૨૩માં યુકેએ અગાઉ કરતા ઓછા સ્ટુડન્ટ વિઝા ઈશ્યૂ કર્યા છે. આમ છતાં ભારત એ યુકેના એજ્યુકેશન સેક્ટર માટે મહત્ત્વનું માર્કેટ છે અને ભારતીય વિદ્યાર્થીઓનું પ્રમાણ મોટું છે. વર્ષ ૨૦૨૩માં યુકેએ ૪.૫૭ લાખ લોકોને સ્ટુડન્ટ વિઝા આપ્યા હતા. પરંતુ ૨૦૨૨ની સાથે સરખામણી કરવામાં આવે તો યુકેએ ૫.૫ ટકા ઓછા સ્ટડી વિઝા આપ્યા છે.

કેલેન્ડર વર્ષની રીતે જોવામાં આવે તો ૨૦૨૩નો ટોટલ આંકડો સેકન્ડ હાઈએસ્ટ હતો. ૨૦૧૯ના વર્ષ કરતા ૨૦૨૩માં ૭૦ ટકા વધારે સ્ટડી વિઝા ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. ૨૦૨૨ની તુલનામાં ૨૦૨૩માં ૧૪ ટકા ઓછા ભારતીયોએ યુકેના સ્ટડી વિઝા મેળવ્યા હતા.

આમ છતાં સ્ટડી વિઝામાં ભારત એ સૌથી મોટા માર્કેટનું સ્થાન ધરાવે છે. ભારતીય અરજકર્તાઓને એક વર્ષમાં કુલ ૧,૨૦,૧૧૦ વિઝા ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. એટલે કે યુકેએ કુલ સ્ટડી વિઝા ઈશ્યૂ કર્યા તેમાં એકલા ભારતનો લગભગ ૨૬ ટકા હિસ્સો હતો.

ભારત પછી ચીન બીજા નંબર પર હતું અને ચાઈનીઝ સ્ટુડન્ટ્‌સને ૧,૦૯,૫૬૪ વિઝા ઈશ્યૂ થયા હતા. વર્ષ ૨૦૨૨ની તુલનામાં ચીનના સ્ટુડન્ટ્‌સને ૬ ટકા વધારે વિઝા અપાયા હતા. આફ્રિકાનો દેશ નાઈજિરિયા ત્રીજા નંબર પર હતો અને તેને ૪૨૧૬૭ વિઝા ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. જોકે, અગાઉના વર્ષ સાથે સરખામણી કરવામાં આવે તો નાઈજિરિયાને ૨૮ ટકા ઓછા વિઝા ઈશ્યૂ થયા છે.

ત્યાર બાદ પાકિસ્તાનના સ્ટુડન્ટને ૩૧,૧૬૫ વિઝા, અમેરિકન વિદ્યાર્થીઓને ૧૪,૬૩૩ વિઝા ઈશ્યૂ થયા છે. આ બંને દેશના સ્ટુડન્ટને ૨૦૨૨ની તુલનામાં ૨૦૨૩માં ઓછા વિઝા અપાયા હતા. ૨૦૨૩માં કુલ ૬.૦૧ લાખ સ્પોન્સર્ડ સ્ટડી વિઝા ઈશ્યૂ કરવામાં આવ્યા હતા જ્યારે અગાઉના વર્ષમાં આ આંકડો ૬.૧૯ લાખનો હતો.

એટલે કે કુલ વિઝામાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો હતો. દુનિયાભરમાં સ્ટુડન્ટ વિઝા પોલિસી પરના એક અભ્યાસ પ્રમાણે યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પોતાની નીતિમાં જે ફેરફાર કર્યો છે તેની અસર વિદેશી સ્ટુડન્ટ્‌સના આયોજન પર પડી છે.

યુકે હંમેશાથી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને આવકારતો દેશ રહ્યો છે, પરંતુ ૨૦૨૩ના મધ્યમાં રિશિ સુનક સરકારે એવી કેટલીક જાહેરાતો કરી જેના કારણે વિદ્યાર્થીવર્ગ ચિંતામાં છે. યુકે હવે વિદેશી સ્ટુડન્ટ્‌સની સંખ્યાને કન્ટ્રોલ કરવા માંગે છે અને તે માટે તેણે સ્ટુડન્ટના આશ્રિતોને યુકે આવવા ન દેવાનું નક્કી કર્યું છે.

આ ઉપરાંત લઘુતમ સેલેરીના ધોરણ પણ વધારી દેવાયા છે. માત્ર રિસર્ચ આધારિત પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ પોતાના ડિપેન્ડન્ટને યુકે લાવી શકશે. અરજકર્તાઓ અને ડિપેન્ડન્ટ માટે સ્પોન્સર્ડ સ્ટડી વિઝામાં એપ્રૂવલનો દર ૯૬ ટકા હતો તેવું યુકેની હોમ ઓફિસનો ડેટા દર્શાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.