દ્વારકા યાત્રાધામ ખાતે શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ કરાશે
પ્રવાસન(યાત્રાધામ) વિભાગની વર્ષ ૨૦૨૩-૨૪ની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચા અન્વયે શ્રી મુળુભાઇ બેરા મંત્રીશ્રી -પ્રવાસન(યાત્રાધામ) એ માહિતી આપી હતી
રાજ્યમાં યાત્રાધામના સરકાર હસ્તકના મુખ્ય ૮ પવિત્ર યાત્રાધામો સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી, પાલીતાણા, ડાકોર, શામળાજી અને પાવાગઢ તથા આ ઉપરાંત સરકારશ્રી હસ્તકના ૩૫૮ દેવસ્થાનો, ખાનગી મંદિરો/યાત્રાધામોના યાત્રાળુઓની પ્રાથમિક સુવિધા અંગેના કામો સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. તેવા યાત્રાધામો ખાતે આંતરમાળખાકીય સુવિધા અંગેની કામગીરી કરવા અંગે વર્ષ ૨૦૨૩-૨૪ માટે આયોજન કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે કોરીડોર અંતર્ગત ૧૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવેલ છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા એ ગુજરાત રાજયમાં આવેલ મુખ્ય ૮ (આઠ) પવિત્ર યાત્રાધામો પૈકી મહત્વનું એક છે. જ્યાં દિન-પ્રતિદિન યાત્રાળુઓની સંખ્યામાં વધારો થતો જાય છે.
દ્વારકા યાત્રાધામ ખાતે રાજ્ય ઉપરાંત સંપૂર્ણ દેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. અહીં આવતાં યાત્રાળુઓ શ્રી દ્વારકાધીશ ભગવાનના બોધપાઠ અને જીવનને જાણી શકે તથા દ્વારકા પશ્વિમ ભારતનું સૌથી મોટું આધ્યત્મિક કેન્દ્ર બને તે માટે દેવભૂમિ દ્વારકા કોરીડોર વિકસાવવાનું આયોજન કરેલ છે. જેમાં શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, ૩ ડી ઈમર્સીવ સેન્ટર, શ્રીમદ ભગવદ ગીતા એક્સપીરીયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકા નગરીની વ્યુઈંગ ગેલેરીનો સમાવેશ થશે. આથી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ.૧૦.૦૦ કરોડની નવી જોગવાઇ સુચવવામાં આવેલ છે.
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે પાંચ શતક બાદ શ્રી મહાકાળી માતાજી મંદીરના નવનિર્મિત શિખર ઉપર ધ્વજા રોહણ થયું હતુ અને ત્યારબાદ યાત્રાળુઓની સંખ્યામાં દિનપ્રતિદિન ધરખમ વધારો જોવા મળ્યો છે.
છેલ્લા ચાર મહીનામાં જ ૫૦ લાખ કરતા વધુ યાત્રિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. પાવાગઢ યાત્રાધામ ખાતે માસ્ટર પ્લાનિંગ કરી તેનો સર્વગ્રાહી વિકાસ કરવા બાબતે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ.૧૦.૦૦ કરોડની નવી જોગવાઇ સુચવવામાં આવેલ છે.
રાજ્યના ૮ મુખ્ય યાત્રાધામ ખાતે બોર્ડની કચેરી કમ માહિતી કેન્દ્ર ઉભુ કરવાનું સરકારશ્રીનું આયોજન છે. સરકારશ્રી દ્વારા અંબાજી, સોમનાથ, દ્વારકા, પાલીતાણા, ગીરનાર, પાવાગઢ, શામળાજી અને ડાકોર એમ કુલ ૮ યાત્રાધામોને પવિત્ર યાત્રાધામો ખાતે આ માહિતી કેન્દ્રો ઉભા કરવાનું આયોજન છે. તે માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂા.૪.૦૦ કરોડની નવી જોગવાઇ સુચવવામાં આવેલ છે તથા યાત્રાધામો ખાતે કાયમી મહેકમ ઉભું કરવાનું આયોજન છે.
પાટણ જિલ્લાના સિધ્ધપુર તીર્થક્ષેત્ર ખાતે પિંડપ્રદાન કરી પિતૃઓને સંતોષવાનો આનંદ અનુભવે છે માતૃશ્રાધના આ પવિત્ર તીર્થક્ષેત્ર સિધ્ધપુર ખાતે યાત્રાળુઓની સુવિધાઓનો વિકાસ થાય તે માટે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં રૂ.૫.૦૦ કરોડની નવી જોગવાઇ સુચવવામાં આવેલ છે.
આમ યાત્રાધામોના વિકાસ માટે નોંધપાત્ર જોગવાઇઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે અને સરકારશ્રી યાત્રાધામોના વિકાસ માટે કટીબદ્ધ છે.