નોકરીની લાલચ આપી લોકો સાથે લાખોની ઠગાઈના કિસ્સા વધી રહ્યા છે! સાવચેત રહેજો
સોશીયલ મીડીયા પર વિદેશમાં નોકરીની લાલચ આપતી જાહેરાત મુકી અનેક લોકો સાથે લાખોની ઠગાઈ -સેટેલાઈટ પોલીસે ૧પ લોકો સાથે રૂપિયા ૮.૭૪ લાખની ઠગાઈ થયાની ફરિયાદ નોંધી
(એજન્સી)અમદાવાદ, શહેરના જોધપુર ચાર રસ્તા પાસે આવેલા વિનસ એમડીયસમાં આવેલી બુદ્ધા ઈન્ટરનેશનલ કન્સલ્ટન્ટ અને સન એન્ટરપ્રાઈઝ પ્લેસમેન્ટ સર્વીસીસ કંપનીના સંચાલકોએ સોશીયલ મીડીયા પર વિદેશમાં નોકરી આપવાની જાહેરાત મુકી હતી. જેને લઈને અનેક લોકોએ સંચાલકોનો સંપર્ક કર્યો હતો.
અનેક લોકોએ ટીકીટ સહીતની ખર્ચના નાણાં ભર્યા બાદ તપાસ કરતા ફ્રોડ થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યાં બીજી તરફ ઓફીસના સંચાલકો તાળાં મારીને ફરાર થઈ ગયા હતા. જેથી સેટેલાઈટ પોલીસે ૧પ લોકો સાથે રૂપિયા ૮.૭૪ લાખની ઠગાઈની ફરીયાદ નોધી તપાસ હાથ ધરી છે.
આંધ્રપ્રદેશના ૩૦ વર્ષીય પ્રમોદ એસઅપ્પારાવ સુન્નીપી એક સીકયોરીટી કંપનીના સુપરવાઈઝર છે. થોડા સમય પહેલા તેમણે ફેસબુક મારફતે બુદ્ધા ઈન્ટરનેશનલ કન્સલ્ટન્ટ અને સન એન્ટરપ્રાઈઝ પ્લેસમેન્ટ સર્વીસીસ કંપનીની જાહેરાત જોઈ હતી. જેમાં અલગ અલગ કેટેગરી અને અલગ અલગ જગ્યા માટે વિદેશમાં નોકરી કરવાની જાહેરાત હતી.
જે કંપનીના કસ્ટમર કેર પર ફોન કરીને તેમણે ઉઝબેકિસ્તાનમાં સ્ટોર કીપરની નોકરી માટેની ઈન્કવાયરી કરી હતી. બાદમાં આ ઓફીસમાં કામ કરતી વ્યકિતએ જરૂરી ડોકયુમેન્ટસ મંગાવીને માસીક પગાર ૮૧૦ યુ.એસ.ડોલર નકકી કર્યો હતો. બાદમાં વિદેશ જવા વિઝાની જરૂર હોવાથી પાસપોર્ટની માહિતી માંગીને નાણાં મંગાવીને આરોપીઓએ ટીકીટ કરાવી હતી.
જોકે પ્રમોદે ઓનલાઈન તપાસ કરતા તે ટીકીટ કેન્સલ થયેલી હતી. જેથી કંપનીમાં ફોન કરતા કંપનીના લોકોએઅ જણાવ્યું હતું. થોડો સમય રાહ જોવા છતાંય કોઈ સંપર્ક ન થતાં પ્રમોદે તપાસ કરતા આરોપીઓએ ફોન બંધ કરીને જોધપુર ચાર રસ્તા ખાતે આવેલી ઓફીસને તાળાં હતા. આ ઓફીસે મોટી સંખ્યામાં લોકોનું ટોળું હતું. જે તમામ લોકોએ પોલીસને જાણ કરતા સેટેલાઈટ પોલીસે આ મામલે ૧પથી વધુ લોકોની સાથે રૂપિયા ૮.૭૪ લાખની ઠગાઈ થઈ હોવા બાબતે અભયસીગ અને સુધીરસીંગ સામે ગુનો નોધી તપાસ આરંભી છે.