ટોલટેક્સ વિના જ ટ્રક પસાર કરવાને લઈ બબાલ થઇ

પોરબંદર, ઉપલેટાના ડુમિયાણી ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પર છેલ્લા ઘણા સમય થયા કોમર્શિયલ અને નોન કોમર્શિયલ વાહનો ટોલ ભર્યા વગર જતા રહેતા હતા. જેના કારણે સરકારી તિજાેરીમાં ભયંકર નુકસાન થઈ રહ્યું હતું. ત્યારે ડુમિયાણી ટોલ પ્લાઝાનું સંચાલન મેહુલ ચંદ્રવાડીયા અને મયુર સોલંકી નામના બે શિક્ષિત યુવાનોના હાથમાં સોંપવામાં આવ્યું છે.
ડુમિયાણી ટોલ પ્લાઝાના નવા સંચાલકોએ જણાવ્યું હતું કે, રાજકોટથી પોરબંદર સુધીની હાઈવે ઘણી સુવિધાઓથી સજ્જ છે અને હજુ પણ આ હાઈવે પર ઘણી બધી સુવિધાઓ ઉભી થવા જઈ રહી છે. સરકારની આ સુવિધાઓ મળવાને પાત્ર છે તો મુલ્ય ચુકવવું પણ આવશ્યક હોય છે. જ્યારે આ ટોલ પ્લાઝાની ૨૦ કિ.મી.ની ત્રિજ્યામાં આવતા ગામોના વાહન ચાલકોને નેશનલ હાઇવે ઓથોરિટી મુજબ મળતા લાભો પણ આપવામાં આવશે.
ત્યારે હાલ ભારત દેશ વિશ્વની મહાસત્તા બનવા જઇ રહ્યો છે, ત્યારે સહયોગ બની કોઇપણ જાતના વાદ-વિવાદ વગર ટોલ પ્લાઝાનું ફાસ્ટેંગ મેળવી તેમાંથી ટોલટેક્સ ભરી સહભાગી બનવા માટે ટોલ પ્લાઝાના સંચાલકોએ વિનંતી કરી હતી. ટોલ પ્લાઝાનું નવું મેનેજમેન્ટ આવતા ફ્રી માં જતા વાહનો ઉપર મનાઈ ફરમાવવામાં આવતા રાજકીય અને અનેક વાહન ચાલકોમાં રોષ ભરાયો હતો. જેથી ધારાસભ્ય સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉપલેટા ટોલ પ્લાઝા પર પહોંચ્યા હતા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની હાજરીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી સ્થળ પર પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.
ટોલ પ્લાઝાના મેનેજરનું કહેવું છે કે, ધારાસભ્ય દ્વારા સ્થાનિક લોકોને પહેલાની જેમ ફ્રીમાં જવા દો નહીંતર બબાલ થશે તેવી ધમકી આપવામાં આવી છે. જ્યારે આ બાબતે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું કહેવું છે કે, આ પ્રકારની કોઇ વાત મે કરી નથી. મેં કોઇ ઉકેલ આવે તેવી વાત કરી હતી.તેમ છતાં પણ ધારાસભ્ય અને પોલીસની હાજરીમાં માથાભારે વાહનચાલકો બૂમ બેરિયર અને ટોલ પ્લાઝાને નુકસાની પહોંચાડીને વાહન હંકારી ચાલી નીકળ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.