બે આખલાઓએ ગોધરાના કલાલ દરવાજામાં આતંક મચાવ્યો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે તેવામાં આજે ફરી એક વખત ગોધરા ના કલાલ દરવાજા વિસ્તારમાં બે આખલાઓ બાખડયા હતા. જેથી સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. શહેરના કલાલ દરવાજા પાસે આજે સવારે બે આખલાઓ વચ્ચે મલ્લ યુદ્ધ જામ્યું હતું જેમાં બે આખલા સામસામે બાખડયા હતા ત્યારે આજુબાજુમાં રહેતા સ્થાનિક તેમજ દુકાનદારોમાં એક તબક્કે નાશ ભાગ મચવા પામી હતી.
તો કેટલાક લોકોએ લડી રહેલા બંને આખલા પર પાણીનો મારો ચલાવી તેમને છુટા પાડવાની કોશિશો કરી રહ્યા હતા. અડધો કલાકના ભારે જયહેમત બાદ મલ્લ યુદ્ધ કરી રહેલા આંખલાઓ ને છૂટા પાડ્યા હતા. મલ્લ યુદ્ધ કરી રહેલા આખલાઓ એ મારુતિ ગાડીને નુકસાન પણ પહોંચાડ્યું હતું..
ગોધરા શહેરમાં અવાર નવાર આખલા બાખડવાની ઘટના બનતી હોય છે જેથી સ્થાનિકો મા ભય ફેલાયો છે. આગાઉ પણ રખડતા ઢોરના કારણે લોકોને ઇજાઓ પોહચી છે. અને કેટલાક લોકોના જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. તેમજ શહેરમાં હાઇવે માર્ગ પર,ડિવાઈડર પર રોડ વચ્ચે રખડતા ઢોર હોય છે તેમજ બજાર માં પણ ઠેર ઠેર ઉભા હોય છે. ત્યારે રખડતા ઢોર માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે..