ઉંઝામાં લક્ષચંડી મહોત્સવને લઇ ભવ્ય તૈયારીઃ લાખો શ્રદ્ધાળુ આવશે
ઉંઝામાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળીઃ સંસ્થાના હોદ્દેદારો તેમજ હજારો સ્વયં સેવકોની ઉપસ્થિતિમાં ભોજનપ્રસાદ
અમદાવાદ, આગીમી તા.૧૮ ડિસેમ્બરથી ઉઁઝા ખાતે ઐતિહાસિક અને ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો પ્રારંભ થનાર છે. જગતજનની માં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકાની ભારે ઉત્સુકતા અને ઉત્સાહ વચ્ચે મહાયજ્ઞ પૂર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં હજારોની સંખ્યામા પાટીદારો જોડાઈ રહ્યા છે.
માં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી કુલ ૫૦ લાખથી વધુ શ્રધ્ધાળુ ભકતો પધારવાના છે ત્યારે આવનારા તમામ ભકતજનોને વિનામૂલ્યે ભોજન-પ્રસાદ પ્રાપ્ય બની રહે તે હેતુથી આજે અન્નપૂર્ણા (ભોજન શાળા)માં ભોજન બનાવવાની પ્રકિયા શરૂ કરતાં પહેલા ચુલ્હા ચારી(અગ્નિકુંડ)ની શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજાવિધિ કરાઈ હતી. સૌકોઇએ મા અન્નપૂર્ણા અને માં ઉમિયાના આશીર્વાદ મેળવી પ્રસંગ સુંદરી રીતે પાર પડે તે માટેની પ્રાર્થના કરી હતી.
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના ભવ્ય આયોજનમાં ઉમટનારા લાખો શ્રધ્ધાળુ ભકતો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા માટે પવિત્ર અને શુધ્ધ વાતાવરણમાં ભોજનશાળા (અન્નપૂર્ણા)માં પણ શાસ્ત્રોક્ત વિધિ સાથેનો કાર્યક્રમ યોજાયો હતો.
કમીટીના ચેરમેન, વાઈસ ચેરમેનના ઘરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા બાદ ભોજનશાળામાં ચુલ્હા ચારીની ભવ્ય પૂજાવિધિ સંસ્થાના હોદ્દેદારો, રસોડા કમીટીના હોદ્દેદારો, તેમજ હજારો સ્વયંસેવકોની ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી. ચુલ્હાચારીની પુજાવિધિ બાદ ભોજન પ્રસાદ બનાવવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઉંઝામાં આગામી તા.૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં ૫૦ લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની સંભાવનાને લઇ તેમના સ્વાગત, રહેવા-જમવા સહિતની તમામ તૈયારીઓ હાથ ધરાઇ છે. જેમાં ઐઠોર ચોકડીથી ઉમિયા માતાજીના મંદિર સુધી એક કિમીના કોરિડોરની રચના કરાઇ છે.
જેથી ધક્કામુક્કી વગર અને સરળતાથી મા ઉમિયાના દર્શન થઇ શકે તેવુ પણ ખાસ આયોજન કરાયું છે. દર્શન કમિટી દ્વારા દર્શન વ્યવસ્થા માટે પૂરતી વ્યવસ્થા કરાઇ છે. નિજમંદિરમાં કોરીડોર ઉપરાંત પેવેલિયન સ્ટેજ મુજબ વ્યવસ્થા આઠની લાઈન કરાઈ છે. જેનાથી સરળતાથી દર્શન-પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધી માંના દર્શન થઇ શકે. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવને લઇ લાખો ભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે.