જળજીલણી એકાદશી નિમિત્તે લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
આમોદ – જંબુસરમાં કાછિયા પટેલ સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ
(પ્રતિનિધિ)ભરૂચ, ભાદરવા સુદ અગિયારસ એટલે,જળ ઝીલણી પવિત્ર એકાદશી. જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.આ દિવસે આમોદ અને જંબુસરમાં કાછિયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજની શોભાયાત્રા યોજવામાં આવી હતી.
આમોદમાં જળઝીલણી અગિયારસે પરંપરાગત રીતે કાછીયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી.કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે ધારાસભ્ય ડી.કે.સ્વામી,પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઈન્દ્રસિંહ રાજ,મહામંત્રી ભીખાભાઇ લિંબચીયા,પ્રમોદ પટેલ,મંદિરનાં ટ્રસ્ટીઓ હસમુખ અંબાલાલ પટેલ,કમલેશ ભગત સહિત કાછીયા પટેલ સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મહારાજની પાલખીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
બેન્ડના સુમધુર સુર સાથે મોટી સંખ્યામાં કાછીયા પટેલ સમાજના યુવાનો,વડીલો, મહિલાઓ ભક્તિભાવ સાથે જોડાયા હતા. બહુચરાજી મંદિર ખાતે બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ઢોલ નગારાં સાથે લાલજી મહારાજની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આમોદના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને શુધ્ધ જળથી સ્નાન વિધિ કરાવ્યા બાદ દરેક સમાજનાં આગેવાનો દ્વારા લાલજી મહારાજની આરતી ઉતારવામાં આવી હતી.
ત્યાર બાદ યજમાન ઘરે ઘરે ફરી લાલજી મહારાજે થાળ ગ્રહણ કર્યો હતો અને ભક્તોને દર્શન આપ્યાં હતા.તેમજ આમોદના ગાંધીચોક,ટાવર ચોક ખાતે લાલજી મહારાજની બેઠક કરવામાં આવી હતી.જ્યાં અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત રહી આરતી કરી ભગવાનનું પૂજન કર્યું હતું.ત્યાર બાદ લાલજી મહારાજની શોભાયાત્રા સાથે કાછીયા પટેલ સમાજ દ્વારા ટ્રેકટરમાં પરીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો.
જેમાં નાના બાળકોએ રામ, લક્ષ્મણ,સીતા,ગણપતિ,શંકર ભગવાનની વેશભૂષા ધારણ કરી હતી.જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.જે પરીઓના વરઘોડામાં બેન્ડની સુમધુર સુરાવલી ઉપર ભક્તિ તેમજ ફિલ્મી ગીતોના સથવારે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા.ત્યાર બાદ મોડી રાત્રે લાલજી મહારાજ સાથે પરીઓનો વરઘોડો કાછીયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે પરત ફર્યો હતો.