મૃતકની ઓળખ ચોરી કરીને વિઝા એપ્લાય કરનાર ઝડપાયો

અમદાવાદ, વિદેશમાં સ્થાયી થવા માટે કે પછી કોઇપણ ગેરકાયદે કામ કરવા અનેક લોકો આઇડેન્ટિટી થેફ્ટનો ઉપયોગ કરે છે. આ જ પ્રકારનો એક કિસ્સો શહેરની ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસમાં સામે આવ્યો છે. એક યુવકે ભારતીય વિઝા લેવા તેમજ પોર્ટુગલની નાગરિક્તા મેળવવા મૃત માસીયાઇ ભાઇની ઓળખ ચોરી હતી.
યુવકે માસીયાઇ ભાઇના નામે બોગસ ડોક્યુમેન્ટ બનાવીને મુંબઇ પાસપોર્ટ ઓફિસથી ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. બાદમાં એમ્બેસીમાં પોર્ટુગીઝ નાગરિક તરીકે દરજ્જો લઇને ભારતીય પાસપોર્ટ રદ કરાવીને ભારતીય વિઝા લેવા માટે એપ્લિકેશન કરી હતી.
જે બાદ હકીકત સામે આવતા આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નવરંગપુરા હુડકો ભવન ખાતે આવેલી ફોરેન રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસમાં ઇમિગ્રેશન ઓફિસર તરીકે ઇશીતા ઠક્કર ફરજ બજાવે છે. ૭ જાન્યુઆરીએ મયુર ટંડેલ નામના વ્યક્તિની ભારતીય વિઝા મેળવવા માટે પોર્ટલ ઉપર અરજી આવી હતી.
વલસાડના મયુર ટંડેલ ગત તા.૧૮મીએ કચેરીએ વિઝા માટે આવ્યા હતા. કચેરી તરફથી મયુરને ભારતીય પાસપોર્ટ કેન્સલ કરવા માટેના ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કહેતા સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જેથી સિનિયર અધિકારી પાસે વાત જતા મયુરની પૂછપરછ કરાઇ હતી.
પૂછપરછમાં મયુર ભાંગી પડ્યો હતો અને તેનું સાચું નામ કરણ જયંતિ ટંડેલ છે અને તે દમણ ખાતે રહેતો હોવાનું સામે આવ્યું હતું. તેના ડ્રાઇવિંગ લાઈસન્સ, આધારકાર્ડની નકલમાં પણ કરણ નામ હતું. વધુમાં તેણે કબૂલાત કરી કે તેણે અગાઉ કરણના નામે ભારતીય પાસપોર્ટ કઢાવ્યો હતો. જે ભારતીય પાસપોર્ટ એક્સપાયર થઇ ગયો હતો.
કરણે કબૂલાત કરી હતી કે તેને પોર્ટુગલ પાસપોર્ટ મેળવવો હોવાથી મૃત માસીયાઇ ભાઇ મયુરનું નામ ધારણ કરીને પોર્ટુગીઝ પાસપોર્ટ કઢાવવા માટેનો પ્લાન બનાવ્યો હતો. આરોપીએ ખોટા ડોક્યુમેન્ટ બનાવીને મુંબઇ પાસપોર્ટ ઓફિસથી મયુર રમેશ ટંડેલના નામનો પાસપોર્ટ મેળવ્યો હતો.
ભારતીય પાસપોર્ટ ઇસ્યુ થયા બાદ તેણે પોર્ટુગીઝ પાસપોર્ટ ઇશ્યુ કરવા માટે અરજી કરી હતી અને બાદમાં ભારતીય વિઝા લેવા માટે ઇ-એફઆરઆરઓ અરજી કરી હતી. જેથી આ મામલે ગુજરાત યુનિ. પોલીસે કરણ જ્યંતિ ટંડેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS