ડૉક્ટર્સ દ્વારા પ્રિસ્ક્રિપ્શન સાથે અપાશે મતદાનનો મેસેજ
મતદાર જાગૃતિ કાર્યક્રમમાં નામાંકિત તબીબોએ લીધા અચૂક મતદાનના શપથ-અમદાવાદ મેડિકલ એસોસિએશન બનશે મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગી
આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્રની સાથે સાથે અનેક એસોસિએશન, સામાજિક સંસ્થાઓ, એનજીઓ દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરાયા છે.
અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં એસોસિએશન સાથે જોડાયેલા નામાંકિત તબીબોએ અચૂક મતદાનના શપથ લીધા હતા. આ ઉપરાંત ઉપસ્થિત સૌ તબીબોએ પોતાના મેડિકલ સ્ટાફ, મિત્રો તથા સ્વજનોને પણ અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરશે તેવો સંકલ્પ પણ કર્યો હતો.
વધુમાં, મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેના માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જે અનુસાર તબીબો દ્વારા દર્દીઓને અપાતા પ્રિસ્ક્રિપશન પર અવશ્ય મતદાનનો સંદેશો આપવા એક વિશિષ્ટ સ્ટેમ્પ લગાડવામાં આવશે, જેથી કરીને દર્દીઓ પણ અચૂક મતદાનનો સંકલ્પ કરવા પ્રેરાય.
અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા તમામ તબીબોને પ્રિસ્ક્રિપશન પર મતદાન જાગૃતિનો સ્ટેમ્પ લગાડવા તમામ તબીબોને અપીલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં AMCના ડેપ્યૂટી મ્યુનિ.કમિશનર શ્રી સી.એમ.ત્રિવેદી, અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ શ્રી ડો.તુષાર પટેલ, સેક્રેટરી શ્રી ડો.ઉર્વેશ શાહ સહિત એસોસિએશનના હોદ્દેદારો અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા.