Western Times News

Gujarati News

તેલંગાણાના CM રેવંત રેડ્ડીને પોલીસે દિલ્હી હાજર રહેવાનું કેમ જણાવ્યું?

અમિત શાહના નકલી વીડિયોના મામલે હોબાળો

સોશિયલ મીડિયામાં વાયરલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નકલી વીડિયોના કેસમાં દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું છે. દિલ્હી પોલીસે પહેલી મેના રોજ તેમને હાજર રહેવાનું જણાવ્યું છે. આ દરમિયાન પોલીસે તેમને પોતાનો મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્‌સ પણ સાથે લાવવા કહ્યું છે. આ કેસમાં પોલીસે આસામના એક શખસની પણ ધરપકડ કરી છે.

(એજન્સી)નવી દિલ્હી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમિત શાહનો એક વીડિયો ચાલે છે જેમાં તેઓ એસસી-એસટી અને ઓબીસી માટે અનામત ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. આ વીડિયોના કારણે વિવાદ થયો છે અને તે ખોટી માહિતી ફેલાવતો વીડિયો હોવાની ફરિયાદ થઈ છે. તેના કારણે ગૃહ મંત્રાલયે કેસ ફાઈલ કર્યો છે.

આ વીડિયોના કારણે ભારે વિવાદ થવાથી ભાજપ તરત એલર્ટ થઈ ગયો હતો અને દિલ્હી પોલીસે આ વિશે રવિવારે એફઆઈઆર ફાઈલ કરી હતી. ભાજપે આ વીડિયોને ગેરમાર્ગે દોરતો જણાવીને કહ્યું કે અમિત શાહના વાસ્તવિક સ્ટેટમેન્ટને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. આ વીડિયોમાં અમિત શાહને એવું કહેતા દેખાડવામાં આવ્યા છે કે તેમની સરકાર બનતાની સાથે જ એસસી, એસટી અને ઓબીસીની અનામત દૂર કરવામાં આવશે.

વાસ્તવમાં ગૃહમંત્રીએ સરકાર બનતા જ મુસ્લિમોને ધર્મના આધારે અપાયેલી અનામત દૂર કરવાની વાત કરી હતી. તાજેતરમાં કર્ણાટક સરકારે મુસ્લિમોને ઓબીસીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો તેના અનુસંધાને આ ટિપ્પણી કરવામાં આવી હતી.

આ કેસની એફઆઈઆર પ્રમાણે અમિત શાહનો આ ફેક વીડિયો શેર કરનારા તમામ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ સાયબર વિંગે આઈપીસીની વિવિધ કલમ અને આઈટી એક્ટની કલમ હેઠળ એફઆઈઆર નોંધી છે. ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે કોંગ્રેસ દ્વારા આ ખોટો વીડિયો સ્પ્રેડ કરવામાં આવ્યો છે

જેના કારણે મોટા પાયે હિંસા થવાની શક્યતા રહેલી છે. ગૃહમંત્રી અમિત શાહે એસસી, એસટી અને ઓબીસીનો હિસ્સો ઘટાડીને મુસ્લિમોને ધર્મના આધારે અપાયેલા ગેરબંધારણીય અનામતને દૂર કરવાની વાત કરી છે. કોંગ્રેસના કેટલાક પ્રવક્તાઓએ આ ફેક વીડિયો વાઈરલ કર્યો છે. તેમણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

કોંગ્રેસના કેટલાક નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ વિવાદાસ્પદ વીડિયો શેર કરવામાં આવતા વિવાદ ચગ્યો હતો. તેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભાજપ એસસી/એસટી અને ઓબીસી અનામત દૂર કરવાનો એજન્ડા ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.