Western Times News

Gujarati News

તમે કોંગ્રેસ છોડી એ દિવસે તમારા દાદાજી મર્યાઃ ચન્ની

નવી દિલ્હી, સંસદના બજેટ સત્રનો ચોથો દિવસ પણ શોરબકોર અને ધાંધલધમાલનો ભોગ બન્યો હતો. લોકસભાની કામગીરી બે વખત ખોરવાઇ હતી.

સત્તારૂઢ અને વિરોધ પક્ષોના સાંસદો વચ્ચે શબ્દ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંઘ ચન્ની અને ભાજપના રવનીત સિંઘ બિટ્ટુ વચ્ચે ચકમક ઝરી હતી.

કેન્દ્રીય બજેટ અંગેની ચર્ચામાં ભાગ લેતાં ચન્નીએ બિટ્ટુના દાદા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંઘની હત્યાનો ઉલ્લેખ કર્યાે હતો. ચન્નીએ કહ્યું હતું કે બિટ્ટુજી તમારા દાદાજી શહીદ થયા હતા. પરંતુ તેઓ એ દિવસે મર્યા નહતા, તેઓ એ દિવસે મર્યા હતા જ્યારે તમે કોંગ્રેસ છોડી હતી. આને કારણે તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા બિટ્ટુએ સામે દલીલબાજી કરી હતી.

બિટ્ટુએ કહ્યું હતું કે મારા દાદાજીએ દેશ માટે કુરબાની આપી હતી, કોંગ્રેસ માટે નહીં. ચન્ની ગરીબીની વાત કરી રહ્યા છે. આ પંજાબનો સૌથી ધનિક માણસ છે. જો ન હોય તો હુ નામ બદલી દઇશ. રેલવે અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના રાજ્યકક્ષાના મંત્રી બિટ્ટુએ ચન્ની અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ કેટલીક અંગત ટિપ્પણીઓ કરીને તેનો જવાબ આપતાં હોબાળો મચ્યો હતો.

શબ્દોની ઉગ્રતા વચ્ચે કોંગ્રેસના સભ્ય અમરિંદર સિંઘ રાજાએ ગૃહના વેલમાં ધસી જવાનો પ્રયાસ કર્યાે હતો. જોકે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમને અટકાવ્યા હતા.

ટ્રેઝરી બેન્ચિઝમાંથી બિટ્ટુએ પણ વેલમાં આવવાનો પ્રયાસ કરતાં મામલો વણસ્યો હતો. એ પછી એ વખતે ગૃહનું અધ્યક્ષપદ સંભાળી રહેલા ભાજપના સભ્ય સંધ્યા રાયે કાર્યવાહી ૩૦ મિનિટ માટે મુલ્તવી રાખી હતી.

ગૃહની કામગીરી ફરી શરૂ થતાં ચન્નીએ પોતાની સ્પીચ પૂરી કરી હતી.ચન્નીએ ખેડૂતોને આપેલા વચનો પૂર્ણ નહીં કરવાનો સરકાર પર આક્ષેપ કર્યાે હતો. તેમણે કહ્યું હતું કે સત્તારૂઢ પાર્ટીના સભ્યો તેમની સ્પીચને અટકાવે છે. ભાજપ ઇમર્જન્સીનો આક્ષેપ મુકે છે. પરંતુ દેશમાં તો હજુ પણ અઘોષિત ઇમર્જન્સી છે.

એક ચૂંટાયેલા સાંસદને તેમની પર એનએસએ લાગુ કરીને જેલમાં નાખી દેવાયો છે. ચન્નીનો ઇશારો જેલમાં બંધ સાંસદ અમૃતપાલ તરફ હતો. તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોની લોન માફી સહિત અનેક માગણીઓ છે.

ખેડૂતો સામે એનએસએની જોગવાઓ લાગૂ કરાય છે. જોકે તેના જવાબમાં સંસદીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે ચન્નીએ તેમના આક્ષેપોના પૂરાવા આપે. તેઓ (ચન્ની) ગૃહને ગેરમાર્ગે દોરે છે. ચન્નીની સ્પીચ પૂર્ણ થયા પછી પણ સત્તારૂઢ અને વિરોધ પક્ષો વચ્ચે શબ્દ યુદ્ધ ચાલુ રહ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.