Western Times News

Gujarati News

અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ-વનબંધુ ખેડૂતોને રૂ. ૩પ કરોડની ખાતર-બિયારણ કિટ વિતરણનો પ્રારંભ

મુખ્યમંત્રીશ્રીના હસ્તે કૃષિ વૈવિધ્યકરણ યોજનાનું ઇ લોન્ચીંગ –વિડીયો કોન્ફરન્સ માધ્યમથી વનબંધુ ધરતીપુત્રો સાથે સંવાદ સાધતા મુખ્યમંત્રીશ્રી

શ્રી વિજયભાઇ રૂપાણી  પેસા એકટનો અમલ-વનબંધુ વિસ્તારોમાં મેડીકલ કોલેજ-એકલવ્ય શાળા-સિંચાઇ સુવિધાથી વનબાંધવોનો સર્વગ્રાહી વિકાસ આ સરકારે કર્યો છે

 નાના-સિમાંત વનબંધુ ધરતીપુત્રોને રૂ. ૩પ કરોડની ખાતર-બિયારણ કિટ વિતરણથી પ્રધાનમંત્રીશ્રીનો કિસાનોની આવક બમણી કરવાનો ધ્યેય પાર પડશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વનબંધુ-આદિજાતિ વિસ્તારના ખેડૂતોને પરંપરાગત ખેતીને સ્થાને ટેકનોલોજીના વિનિયોગથી આધુનિક ખેતી તરફ વળવાની માનસિકતા કેળવવા માઇન્ડ સેટ બદલવા અનુરોધ કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી રાજ્યના અંબાજીથી ઉમરગામ વિસ્તારના ૧૪ આદિજાતિ જિલ્લાના પ૩ તાલુકાઓના ૭૬ હજારથી વધુ વનબંધુ કિસાનોને કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત રૂ. ૩પ કરોડના ખાતર-બિયારણ કિટના વિતરણના ઇ લોન્ચીંગ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી શ્રી રમણભાઇ પાટકર આ ઇ લોન્ચીંગ વેળાએ ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી સાથે જોડાયા હતા. રાજ્યના વનબંધુ ક્ષેત્ર છોટાઉદેપૂર, દાહોદ, સુરત અને વલસાડના ગ્રામીણ ક્ષેત્રોમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યો અને જિલ્લા-તાલુકા પ્રમુખો તથા વનબંધુ લાભાર્થીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ બિયારણ-ખાતર કિટ વિતરણના ઇ લોન્ચીંગને કોરોના સામે-કોરોના સાથે રોજિંદી પ્રવૃત્તિઓ શરૂ કરીને કોરોનાને હરાવવાની ગુજરાતની પ્રતિબદ્ધતા રૂપ અવસર ગણાવ્યો હતો.  તેમણે કહ્યું કે, વિકાસની મુખ્ય ધારામાં વનબાંધવો પણ આવી જાય અને સર્વગ્રાહી વિકાસની સંકલ્પના પાર પડે તે માટે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરીને આદિજાતિઓને પણ શિક્ષણ, આરોગ્ય, વીજળી, કૃષિ-સિંચાઇના અનેક અવસરો પૂરા પાડયા છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જ્યાં સુધી વંચિત વનબંધુઓ-છેવાડાના અંતરિયાળ વિસ્તારના આદિજાતિઓ વિકસીત ન થાય ત્યાં સુધી વિકાસ અધૂરો છે.  શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યુ કે, આ સરકારે પણ વનબંધુઓના વિકાસને વધુ ગતિ આપવા પેસા એકટનો અમલ કરીને વનબાંધવોને જમીન માલિક બનાવ્યા છે.
એટલું જ નહિ, આદિજાતિ વિસ્તારોમાં મેડીકલ કોલેજ, એકલવ્ય શાળાઓ, વીજળી સિંચાઇ સુવિધાઓ આપીને વનબંધુઓને સમયાનુકૂલ વિકાસની નવી દિશા આપી છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાની જે ભાગીરથ પહેલ કરી છે તેમાં આ રૂ. ૩પ કરોડની ખાતર-બિયારણ સહાય ગુજરાતના વનબંધુઓને ઉપયુકત બનશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, કૃષિ વૈવિધ્યકરણ યોજના રાજ્યના નાના અને સીમાંત આદિવાસી ખેડૂત ભાઇઓ બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આદિજાતિ વિભાગનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે.
આ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતોને ૧ એકર જમીન માટે સુધારેલ જાતના શાકભાજીના બિયારણ અથવા મકાઇના પાક માટેના બિયારણનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોને ખાતરમાં યુરિયા ૪પ કિ.ગ્રામ, એન.પી.કે.પ૦ કિ.ગ્રામ અને એમોનીયમ સલ્ફેટ પ૦ કિ.ગ્રામની કીટ આપવામાં આવે છે.

આદિવાસી ખેડૂતો માત્ર પરંપરાગત ખેત પદ્ધતિ ઉપરજ નિર્ભર ન રહેતા સુધારેલ મકાઇ તથા શાકભાજીના બિયારણ તથા ખાતર અને ખેતીને લગત આવશ્યક તાલીમ મેળવી વધુ ખેત ઉપજ અને વધુ આવક રળતા થાય અને તેમનું જીવનધોરણ સદ્ધર થાય તેવા ઉદેશ્યથી શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધીમાં આશરે પાંચ લાખ આદિજાતિ ખેડૂતોને લાભો આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના-કોવિડ-૧૯ સંક્રમણની સ્થિતીમાં જે વનબંધુ-આદિજાતિ શ્રમિકો પોતાના વતન જતા રહ્યા હતા તેવા શ્રમિકો કામકાજના સ્થળે પાછા આવે ત્યારે તેમને આવાસ મળી રહે તે માટે ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં ખેતમજૂરો અને શ્રમિકોના આવાસ માટે રૂ. ૩પ૦ કરોડની મકાન સહાય સબસિડીની જોગવાઇ કરીને આવાસથી વંચિત આદિવાસી ખેતમજૂરો અને શ્રમિકોને આવાસ સુવિધા આપવાની સરકારની નેમ પણ દર્શાવી હતી.

આદિજાતિ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ નાના-સિમાંત વનબંધુ ખેડૂતો સારા ખાતર-બિયારણથી વધુ સારી ઉપજ મેળવી શકે અને પોતાની પેદાશના ઊંચા ભાવ મેળવી શકે તેવા ઉદાત્ત ભાવથી આ કૃષિ વૈવિધ્યકરણ યોજના
શરૂ થઇ છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે વનબંધુ ખેડૂતો સહિત અંબાજીથી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીમાં વસતા વનબાંધવોના સર્વગ્રાહી વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રતિબદ્ધતાના ઉદાહરણ આપતાં કહ્યું કે, વનબાંધવોના બાળકોને ઉચ્ચશિક્ષણ, મેડીકલ કોલેજની સુવિધા અને પેસા એકટથી સ્થાનિક વિકાસમાં આદિજાતિ સમાજની ભાગીદારી જેવા સંવેદનાસ્પર્શી આયામો મુખ્યમંત્રીશ્રીએ અપનાવ્યા છે.

કૃષિ વૈવિધ્યકરણ યોજના તહેત ખેડૂતોને બિયારણ ખાતર કિટની વિતરણ વ્યવસ્થા આદિજાતિ વિકાસ વિભાગના સાનિધ્ય-સહયોગથી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કોપોરેશનની પેટા કંપની ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર એગ્રો ટેક લીમીટેડ ય્છ્‌ન્ દ્વારા વનબંધુ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે.

આ અવસરે છોટાઉદેપૂર, વલસાડ, દાહોદ અને સુરતના અંતરિયાળ ગામોના વનબંધુ લાભાર્થીઓએ પોતાને કિટ મળતાં થયેલા લાભ અને આર્થિક જીવનધોરણમાં આવેલા બદલાવની વાત પોતાના સહજ પ્રતિભાવમાં વ્યકત કરી હતી.

ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર શ્રી અરવિંદ અગ્રવાલ, આદિજાતિ વિકાસ સચિવ શ્રી અનુપમ આનંદ, ડી-સેગના ઝ્રઈર્ં શ્રી આર. એસ. નિનામા વગેરે આ ઇ લોન્ચીંગમાં સહભાગી થયા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.