અમદાવાદ શહેરમાં બેફામ દારૂની હેરાફેરી
સરદારનગરમાં મહેફીલ માણતાં ચારની અટકઃ વસ્ત્રાપુર તથા સોલામાંથી દારૂ સગેવગે કરતાં ત્રણ ઝડપાયા
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં દારૂબંધી છતાં દારૂની ભારે માંગ હોવાથી બુટલેગરો રાજ્યનાં ખુણે ખુણા સુધી દારૂ પહોંચાડી રહ્યાં છે. આ સ્થિતિમમાંથી અમદાવાદ શહેર પણ બાકાત નથી અને રાજ્યમાં સૌથી વધુ માંગ અમદાવાદમાંથી જ હોય તેવી પણ સંભાવના છે. કારણ કે શહેરમાં રોજેરોજ દરોડા પાડવા છતાં વિદેશી કે ઈંગ્લીશ દારૂ ખુટતો નથી.
આ પરિસ્થિતિમાં ગુરૂવારે સરદારનગરમાં દારૂની મહેફીલ માણતાં પાંચ પકડાયા છે. બીજી તરફ વસ્ત્રાપુર સોલા ઉપરાંત અન્ય કેટલાંક વિસ્તારોમાંથી દારૂનાં જથ્તા સાથે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
સરદારનગર પોલીસની ટીમને ગુરૂવારે એ વોર્ડ, હાર્ટ ફીલીંગ આર્ટીકલ્સની સામે આવેલી મહેન્દ્રભાઈ તેલવાળાની દુકાનની ઉપર ઓફીસમાં દારૂની મહેફીલો ચાલતી હોવાની માહિતી મળી હતી. જેથી રાત્રે દસ વાગ્યાનાં સુમારે પોલીસે ઓફીસમાં દરોડો પાડતાં જ અંદર બેઠેલાં શખ્સો ગભરાઈ ગયા હતા. જ્યારે દરવાજાે ખોલતાં જ અંદર બેઠેલાં શખ્સોને એક ઈસમ દારૂ પીરસતો હોવા ઊપરાંત નાસ્તો પણ મુકેલો જાેઈને પોલીસ ચોંકી ઊઠી હતી.
તમામ શખ્સોને બેસી રહેવાનું કહી પોલીસે દારૂ પીરસનાર કમલેશ ગંગારામ સુખવાણી (કૈલાશ રોયલ સોસા.નાના ચીલોડા)ની પૂછપરછ કરતાં વિજય મહેન્દ્રભાઈ નેનાણી (મહારાજ બંગલો, કુબેરનગર) પોતાની ઓફીસમાં આ પ્રવૃત્તિ ચલાવતો હોવાનું કહ્યું હતું. પકડાયેલાં અન્ય ત્રમ શખ્સોમાં ભરત ગોપલાણી, ધર્મેન્દ્ર નહેલાણી તથા વિક્કી પંજવાણી સામેલ છે. જે ત્રણેય કુબેરનગરનાં રહેવાસી છે. પોલીસે વોન્ટેડ વિજય સહિત પાંચેય વિરૂદ્ધ ગુનો નોંધી મોબાઈલ ફોન, ગાડી સહિત સવા ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.
જ્યારે સોલા પોલીસની હદમાં આવતાં ઘાટલોડિયા જનતાનગર ફાટકથી પાવાપુરી સર્કલ તરફ જતાં ભાગ્યોદય સોસાયટી નજીક એક ઈસમ કારમાં દારૂનો જથ્થો ભરીને બેઠો હોવાની બાતમી મળતાં પોલીસે સાંજે છ વાગ્યાનાં સુમારે કારમાં ભવરસિંહ રાઠોડ (ભાગ્યોદય સોલા.ઘાટલોડિયા)ને ઝડપી લીધો હતો. તપાસ કરતાં કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૪૦ હજારની કિંમતની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ભવરની અટક કરી કાર સહિત રૂપિયા એક લાખ બેતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.
વસ્ત્રાપુર પોલીસને દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળતાં રાત્રે પોણા દસ વાગ્યે વસ્ત્રાપુર ગામ સાકેત ટાવર નજીક અમુલ પાર્લર પાસે દરોડો પાડ્યો હતો અને ઈન્દ્રજીત રાજપુત (ચમનપુરા) તથા વિજય ઠાકોર (શાહપુર)ને દારૂનો જથ્થો સગેવગે કરતાં રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડામાં બે કાર તથા ૩૫ હજારનાં ઈંગ્લીશ દારૂ સહિત કુલ સાડા આઠ લાખનો મુદ્દામાલ પકડી લેવામાં આવ્યો છે. આ સિવાય શહેરનાં કેટલાંય વિસ્તારોમાંથી પોલીસે એકલ દોકલ દારૂની બોટલો સાથે પણ કેટલાંકની અટક કરી હતી.
અમદાવાદ શહેરમાંથી દારૂ-જુગારની બદીને ડામી દેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલા આદેશ બાદ સ્થાનિક પોલીસ સક્રિય બની છે જન્માષ્ટમી નજીક આવતા જ શહેરમાં જુગારની હાટડીઓ પણ શરૂ થઈ ગઈ છે જેના પગલે શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલી કલબો, ફાર્મ હાઉસો તથા હોટલોમાં પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું છે અને રાત્રિ દરમિયાન વાહનોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહયું છે.