આજે BJPના સાબરકાંઠાના ઉમેદવાર રેલી કાઢી ઉમેદવારી પત્ર ભરશે

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, લોકસભાની ચુંટણીના ઉમેદવારી પત્રોનું વિતરણ અને ભરાયેલા ઉમેદવારી પત્રો પરત સ્વીકારવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે આજે મંગળવારે તા.૧૬ એપ્રિલના રોજ ભાજપ ના ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરતા અગાઉ જાહેરસભાને સંબોધન કર્યા બાદ રેલી સ્વરૂપે કલેકટર કચેરી જઈ ભરાયેલા ઉમેદવારી પત્રો સક્ષમ અધિકારીને સુપ્રત કરશે.
આ અંગે સાબરકાંઠા લોકસભા બેઠકના પ્રભારી દુષ્યંતભાઈ પંડયા, ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ, સંગઠનના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, પ્રદેશમાંથી આવેલા પ્રવક્તા શ્રધ્ધાબેન ઝા, રાજય સભાના સાંસદ રમિલાબેન બારા, ધારાસભ્ય વી.ડી.ઝાલા, ગજેન્દ્રસિંહ પરમાર, વિજયભાઈ પંડયા, મહેન્દ્રસિંહ રહેવર, મહેન્દ્રસિંહ બારૈયા સહિત અન્ય અગ્રણીઓએ સોમવારે ઉમેદવારી પત્ર ભરવા અંગે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ
કે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા મંગળવારે સવારે ૯.૩૦ કલાકે હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડમાં યોજાનાર એક જાહેરસભામાં તેણી તથા પક્ષના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યા બાદ ઉમેદવારી પત્ર ભરવા રેલી સ્વરૂપે વાજતે ગાજતે શહેરના વિવિધ વિસ્તારોમાં થઈને જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચશે જયાં ઉમેદવાર તથા સંગઠનના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ ભરાયેલુ ઉમેદવારી પત્ર રજુ કરશે.
ઉલ્લેખનીય છે કે પ્રવક્તા શ્રધ્ધાબેન ઝાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારે લોક કલ્યાણના કરેલા કામોનો ચિતાર રજુ કર્યો હતો જેમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાયાની સુવિધાઓ ઉકેલવા માટે કેન્દ્ર અને રાજય સરકારે અમલમાં મુકેલી યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.