Western Times News

Gujarati News

કાતિલ ઠંડીને કારણે માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ

અમદાવાદ, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી થોડા દિવસ સુધી કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવા માટે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી લોકોને ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

આ વચ્ચે ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તેવામાં શનિવારની સવારે માઉન્ડ આબુમાં તાપમાનનો પારો શૂન્ય ડિગ્રીથી નીચે ગગડી ગયો હતો. માઉન્ટ આબુમાં સવારે માઈનસ ૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે માઉન્ટ આબુના ગુરુ શિખર પર તાપમાન માઈનસ ૫ ડિગ્રી પર પહોંચી ગયું હતું. તાપમાન શૂન્ય ડિગ્રીની નીચે પહોંચી જવાને કારણે માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી.

શનિવાર અને રવિવારને કારણે મોટી સંખ્યામાં ગુજરાતીઓ માઉન્ટ આબુ પહોંચ્યા હતા. પણ અહીં જબરદસ્ત ઠંડીનો તેઓને સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી ત્રણ દિવસ સુધી રાજસ્થાનમાં શીતલહેર આવવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. જેની અસર હવે માઉન્ટ આબુમાં જાેવા મળી રહી છે. માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ૩ ડિગ્રી થઈ જવાને કારણે સમગ્ર પંથકમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી.

એટલું જ નહીં પણ નળનું તેમજ ટાંકીનું પાણી પણ થીજી ગયું હતું. એટલું જ નહીં, પણ હોટેલ્સની બહાર મુકવામાં આવેલાં ટેબલ ઉપર પણ બરફની ચાદર છવાઈ ગઈ હતી.

જાે કે, અહીં ફરવા આવેલાં ગુજરાતીઓએ આવી ફુલ ગુલાબી ઠંડીની મજા માણતા જાેવા મળ્યા હતા. અહીં રાતના સમયે તો ઠીક પણ સવારના સમયે પણ લોકો તાપણી કરતાં જાેવા મળ્યા હતા. ફરવા આવેલાં પ્રવાસીઓમાંથી નાના બાળકો અને વૃદ્ધો કાતિલ ઠંડીને કારણે ધ્રુજી ઉઠ્‌યા હતા. બીજી બાજુ યુવાનોએ ઠંડીની ફુલ મજા માણી હતી.

નલિયામાં ડિસેમ્બરમાં ત્રીજી વાર પારો ૨.૫ ડિગ્રી ગગડ્યો
સમગ્ર રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી અનુસાર હાથ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પારો દિવસે દિવસ ગગડી રહ્યો છે અને સિવિયર કોલ્ડ વેવના કારણે લોકો ઠરી રહ્યા છે. ગત રાત્રે રાજ્યના સૌથી ઠંડા પ્રદેશ નલિયામાં લઘુતમ તાપમાન ૨.૫ ડિગ્રી પહોંચતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયો છે.
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં અને ખાસ કચ્છ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી કરાયા બાદ જિલ્લામાં બર્ફીલા પવન ફૂંકાઇ રહ્યા છે. દિવસના ભાગમાં તડકો હોવા છતાં પણ બર્ફીલા પવન સૂસવાટા બોલાવે છે. સાંજ બાદ સામાન્યપણે તાપણી કરતા લોકો હાલ ભ રતડકે પણ તાપણી તપાવી પોતાના શરીરને ગરમ કરી રહ્યા છે.
કચ્છના અબડાસા તાલુકાનું નલિયા શિયાળા ઋતુમાં રાજ્યમાં સૌથી ઠંડું પ્રદેશ બને છે. તારીખ ૧૭ અને ૧૮ ડિસેમ્બરની વચ્ચેની રાત્રે નલિયામાં ૨.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં સૌથી નીચું તાપમાન ૨.૫ ડિગ્રી નોંધાયું હતું જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી નીચું હતું. કોલ્ડ વેવની આગાહીના એક દિવસ બાદ જ નલિયામાં ૩.૮ ડિગ્રી નોંધાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, માઉન્ટ આબુમાં છેલ્લા બે દિવસથી સતત તાપમાનનો પારો શૂન્ય ડિગ્રીથી નીચે નોંધાઈ રહ્યો છે અને ડિસેમ્બર મહિનામાં પહેલીવાર માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ૩ ડિગ્રી પર પહોંચ્યું છે. માઉન્ટ આબુના ટોચના શિખર ગુરુ શિખર પર તો તાપમાન તેનાથી પણ નીચું માઈનસ ૫ ડિગ્રી નોંધાયું હતું. સવાર ઉપરાંત સમગ્ર દિવસ દરમિયાન આબુમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિવસનું મહત્તમ તાપમાન પણ ૨૧ ડિગ્રી રહ્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.