Western Times News

Gujarati News

કેડીસીસી બેંકમાં ૭૦ વર્ષ બાદ સત્તા પરિવર્તન

(પ્રતિનિધિ) પેટલાદ, ચરોતરના બૃહદ ખેડા જીલ્લામાં ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક આવેલ છે. આ બેંકની ર૧ બેઠક માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આજરોજ જાહેર થયું હતુ. આ વખતની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોને પ્રથમ વખત મેન્ડેટ સાથે ઉભા રાખવામાં આવ્યા હતા. પરિણામ બાદ ર૧ પૈકી ભાજપને ૧૩ અને કોંગ્રેસને ૮ બેઠક મળી હતીે. આમ કેડીસીસી બેંકમાં ભાજપનો ભગવો લહેરાતા સ્પષ્ટ બહુમત સાથે સત્તા સ્થાને પ્રથમ વખત ભાજપ રહેશે.

પ્રાપ્ત માહિતી મુજબ બૃહદ ખેડા જીલ્લામાં આણંદના ૮, ખેડાના ૧૦ તથા મહિસાગરના બે તાલુકાનો સમાવેશ થાય છે. આ બૃહદ ખેડા જીલ્લામાં સન ૧૯૪૯માં ધી ખેડા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકનો પાયો નંખાયો હતો. આ બેંક ખેડૂતો તથા પશુ પાલકો માટે આશિર્વાદરૂપ ગણાય છે.

આ બેંકની ત્રણ જીલ્લાના ર૦ તાલુકાઓમાં લગભગ ૮૪ જેટલી શાખાઓ કાર્યરત છે. નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ના અંત સુધીમાં બેંક પાસે અંદાજીત રૂા.૧૯૯ કરોડનું ભંડોળ હતુ.

જ્યારે રૂા.૧૯૧૩ કરોડ જેટલી થાપણો બેંક પાસે હોવાનું જાણવા મળે છે. લગભગ રૂપિયા બે હજાર કરોડના ટર્નઓવર ધરાવતી ચરોતરની આ સહકારી બેંકના વહિવટ માટે તાજેતરમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી ચાર વિભાગ માટે યોજાઈ હતી. પ્રથમ વિભાગમાં સેવા સહકારી મંડળી, બીજા વિભાગમાં બેંક તથા ક્રેડિટ સોસાયટી, ત્રીજા વિભાગમાં દૂધ મંડળી તથા ઈતર મંડળીઓ અને ચોથા વિભાગમાં વ્યક્તિગત સભાસદોનો સમાવેશ થાય છે.

ચરોતરના ખેડૂતો તથા પશુ પાલકો માટે આશિર્વાદરૂપ ગણાતી આ બેંકની ચૂંટણી ર૧ બેઠકો માટે યોજાઈ હતી. આ વખતે પ્રથમવાર ભાજપ દ્વારા તમામ બેઠકો ઉપર મેન્ડેટ સાથે ઉમેદવારોને ચૂંટણી મેદાનમા ઉતાર્યા હતા. જ્યારે બીજી તરફ વર્ષોથી બેંકમાં સત્તા સ્થાને રહેનાર કોંગ્રેસ દ્વારા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો ન હતો.

જેથી આ વખતની ચૂંટણી ખુબ જ રસપ્રદ બનવા પામી હતી. ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ આવતી હોવાને કારણે બેન્કની આ ચૂંટણીમાં ભારે રસ્સાખેંચ અને ઉત્તેજના જાેવા મળી હતી. જેને કારણે મતદાન પણ ૯૯ ટકાથી વધુ થયું હતુ. આ ચૂંટણીના મતદાન પૂર્વે ર૧ પૈકી ૪ બેઠકો બીનહરિફ થતા ભાજપનું ખાતુ શરૂથી જ ખુલી ગયું હતુ.

કારણકે બિનહરિફ થયેલ આ તમામ બેઠકો ભાજપની હતી. ત્યારબાદ ૧૭ બેઠક માટે યોજાયેલ મતદાન બાદ આજરોજ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આજરોજ સવારથી જ ભાજપ અને કોંગ્રેસની છાવણીમાં સહકારી આગેવાનોના ટોળા જાેવા મળ્યા હતા. એક પછી એક ચોકાવનારા પરિણામો આવતા ભાજપ છાવણીમાં સોપો પડી ગયો હતો.

જ્યારે કોંગ્રેસ છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. તેમાય આણંદના કોંગ્રેસી ધારાસભ્ય કાંતિભાઈ તથા આણંદ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મહિડાનો પરાજય થતા ભારે ગમગીની જાેવા મળતી હતી. જાે કે બેંકના વર્તમાન ચેરમેન ધીરૂભાઈ ચાવડા ભારે બહુમતથી જીત્યા છે, પરંતુ સત્તાથી દૂર રહેવાના સંકેતો સ્પષ્ટ જાેવા મળે છે.

બીજી તરફ ભાજપને સ્પષ્ટ બહુમત મળતા હવે જાેવાનુ એ રહેશે કે બેંકના ચેરમેનપદે સત્તારૂઢ કોણ થાય છે ? જાે કે ચેરમેન પદના પ્રબળ દાવેદાર તરીકે વિપુલભાઈ કાંતિભાઈ પટેલ, કેસરીસિંહ જેસંગભાઈ સોલંકી, તેજસકુમાર બિપીનચંદ્ર પટેલ, યોગેન્દ્રસિંહ રામસિંહ પરમારના નામો ચર્ચામાં હોવાનું જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.