કેન્દ્રીય ટીમના આગમનના પગલે કોર્પોરેશન તંત્ર સફાળુ જાગ્યુ

હવે માઈક્રો કન્ટેન્ટમેન્ટની કાર્યવાહી શરૂ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ: દેશના મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત સહિતના રાજયોમાં કોરોનાના કેસ ચિંતાજનક હદે વધતા કેન્દ્ર સરકારે કેન્દ્રના તજજ્ઞોની ટીમ આ તમામ રાજયોમાં મોકલી આપી હતી. દિલ્હીમાં તો ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી કેજરીવાલને સાથે રાખીને સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી દીધી છે ગુજરાતમાં કોરોના સંક્રમણનો ફેલાવો અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં થતા જ કેન્દ્રએ તાત્કાલિક આરોગ્ય સચિવ લવ અગ્રવાલના નેતૃત્વ હેઠળ ટીમ મોકલી હતી. ટીમે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોરોના સંદર્ભમાં કામગીરીમાં કચાશ નજરે પડતા કેન્દ્રીય ટીમના અધિકારીઓએ કોર્પોરેશનના અધિકારીઓને આડે હાથ લીધા હતા.
જેના પગલે કોર્પોરેશનના અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. કેન્દ્રીય ટીમના આગમનના પગલે કોર્પોરેશન તંત્ર અચાનક સફાળુ જાગી ગયુ છે અને જુદા જુદા વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરી દીધા છે. સરખેજ, વાસણા, નારણપુરા, સાબરમતી, ચાંદખેડા, બોડકદેવ વિસ્તારમાં અલગ-અલગ સોસાયટીઓને માઈક્રો કન્ટેન્ટમેન્ટ હેઠળ આવરી લીધી છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા છે કેન્દ્રીય ટીમના આગમન પહેલા આ તમામ વિસ્તારોને જાણે કે રામભરોસે છોડી દેવામાં આવ્યા હતા.
હવે આ વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરી દેવાતા કોર્પોરેશન તંત્ર સામે અનેક પ્રશ્નો ઉપÂસ્થત થયા છે. આ અગાઉ કોર્પોરેશને આ વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ કેમ જાહેર કર્યા નહી ?? કેન્દ્રીય ટીમના આગમનના પગલે આ નિર્ણય કેમ લેવાયો ?? કેન્દ્રીય ટીમે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી અને જયારે તેમણે જે ચિત્ર જાયુ તેનો અહેવાલ વડાપ્રધાન, ગૃહમંત્રી સમક્ષ રજૂ કરનાર હોવાથી કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા છે અને કોરોનાને લગતી કામગીરીમાં ઝડપ લાવીને નવા સાત વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કર્યા છે.
કોર્પોરેશનના અધિકારીઓએ આ તમામ વિસ્તારોમાં કોરોના ટેસ્ટીંગની કામગીરી શરૂ કરી દીધી હોવાનું કહેવાય છે. જયારે જે વિસ્તારોની સોસાયટીઓ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવી છે તેમને સીલ કરી દઈને ઈમરજન્સી કામ સિવાય લોકોને બહાર નહી જવા દેવા અપિલ કરાઈ છે. કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે બેઠકો યોજાઈ હતી. હાલમાં અનલોક-૧ની સ્થિતિ ચાલતી હોવાથી કેટલાક સ્થળોએ લોકોએ વિરોધ પણ વ્યકત કર્યો હતો. તેમને સમજાવવાની કામગીરી પણ હાથ ધરી છે. કેન્દ્રીય ટીમના આગમનના પગલે સમગ્ર વહીવટીતંત્રમાં ચેતના આવી હોય તેમ દોડતુ થઈ ગયુ છે.