કોરોનાની દવા કોરોનીલ અંગે પતંજલિની પલટી
કોઈ દવા બનાવી ન હોવાનું કહ્યુંઃ અમે ક્યારેય કોરોનાની દવા બનાવ્યાનો દાવો કર્યો જ નથીઃ પતંજલિની સ્પષ્ટતા
હરિદ્વાર, કોરોનિલ દવા પર પતંજલિ આયુર્વેદે સરકારી પૂછતાછમાં પલટી મારી છે. ઉત્તરાખંડ આયુષ વિભાગ દ્વારા મળેલી નોટિસના જવાબમાં પતંજલિએ કહ્યું કે તેમણે કોરોના માટેની કોઈ દવા બનાવી જ નથી. તાજેતરમાં જ યોગગુરૂ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની હાજરીમાં કોરોનિલ દવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આયુષ મંત્રાલયની નોટિસના કારણે ચારેય તરફથી ઘેરાઈ જવા બાદ કોરોનાની દવા બનાવી લેવાના પોતાના દાવાથી સ્વામી રામવદેવની પતંજલિ કંપનીએ યૂ ટર્ન મારી લીધો છે. ઉત્તરાખંડના આયુષ વિભાગે મોકલેલી નોટિસના જવાબમાં પતંજલિ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમણે ક્યારેય કોરોના વાયરસની દવા બનાવવાનો દાવો કર્યો જ નથી.
અમે તો એવી દવા બનાવી છે કે જેનાથી કોરોનાના દર્દીઓ સ્વસ્થ્ય થઈ રહ્યા છે. પતંજલિ આયુર્વેદના અધ્યક્ષ આચાર્ય બાલકૃષ્ણનું કહેવું છે કે, પતંજલિ આયુર્વેદ હજી પણ પોતાના દાવા અને દવા પર સ્થિર છે. અમે ક્યારેય કોરોનાની દવા બનાવવાનો કોઈ દાવો કર્યો જ નથી.
સરકારની ગાઈડલાઈન અનુસાર પરવાનગી લઈને અમે જે દવા બનાવી છે તેનાથી કોરોનાના દર્દીઓ સ્વસ્થ્ય થઈ શક્યા છે. આયુષ વિભાગ તરફથી જાહેર કરાયેલી નોટિસનો જવાબ અમે આપી દીધો છે. નોંધનીય છે કે અઠવાડિયા અગાઉ બાબા રામદેવે દાવો કરતા કહ્યું હતું કે કોરોનિલ દવા કોરોના વાયરસના વધતા જતા પગપેસારાને ડામવા માટે જરૂરથી કામ લાગશે.
આ દવાથી ત્રણથી સાત દિવસમાં કોરોના વાયરસના દર્દીઓને સંપૂર્ણ પણે સ્વસ્થ્ય કરી શકાશે. ત્યારબાદ આયુષ મંત્રાલયે કહ્યું હતું કે, આ રોક ત્યાં સુધી રહેશે કે જ્યાં સુધી આ મુદ્દે વિધિવત તપાસ ન થાય. ત્યારબાદ રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકારે આ દવાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.