ગીતકાર સંતોષ આનંદ આર્થિક તંગીમાં જીવે છે
મુંબઈ: જિંદગી કી ના ટૂટે લડી પ્યાર કર લે ઘડી દો ઘડી જેવા ઘણા શાનદાર સોન્ગ બોલિવુડને આપનારા ગીતકાર સંતોષ આનંદ આજે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છે. સંતોષ આનંદ હવે શરીરથી પણ લાચાર છે અને ન તો તેમની પાસે કોઈ કામ છે. નેહા કક્કડે તેમના માટે પાંચ લાખ રુપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. આ વીકએન્ડ ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર લક્ષ્મીકાંત-પ્યારેલાલની હિટ જાેડીમાંથી પ્યારેલાલ પણ ઉપસ્થિત રહેશે. ઈન્ડિયન આઈડલ ૧૨ની ટીમે પ્રસિદ્ધ ગીતકાર સંતોષ આનંદને પણ આમંત્રિત કર્યા, જેમણે વીતેલા જમાનામાં પ્યારેલાલ સાથે કામ કર્યું હતું. આ એપિસોડમાં સંતોષ આનંદ જણાવતા જાેવા મળશે કે, તેઓ કેટલી પરેશાનીઓમાંથી પસાર થઈ રહ્યા છે.
તેમણે તેમ પણ કહ્યું કે, તેમના માથે ઘણું દેવું છે. તેમની કહાણી સાંભળીને દુઃખી થયેલી નેહા કક્કડે તેમને ૫ લાખ રુપિયા આપવાની જાહેરાત કરી સાથે જ તેમણે ઈન્ડસ્ટ્રીના લોકોને પણ મદદની અપીલ કરી. નેહાએ તેમને સન્માન આપતાં તેમના માટે ‘એક પ્યાર કા નગમા ગીત પણ ગાયું. એક સમયે સંતોષ આનંદના નામની ગણના તેવા લોકોમાંથી થતી, જેમના સંગીતનો જાદૂ ફિલ્મો પર ખૂબ ચાલતો હતો. સંતોષ આનંદે ‘જિંદગી કી ના ટૂટે લડી પ્યાર કર લે ઘડી દો ઘડી’ સિવાય ‘મહોબ્બત હૈ ક્યા ચીઝ’, ‘એક પ્યાર કા નગમા હૈ’ અને ‘મેઘા રે મેઘા રે મત જા તૂ પરદેશ’ જેવા ઘણા શાનદાર સોન્ગ બોલિવુડને આપ્યા છે.
બુલંદશહરના સિકંદરાબાદમાં જન્મેલા સંતોષ આનંદે કરિયરની શરુઆત ૧૯૭૦માં ફિલ્મ ‘પૂરબ પશ્ચિમથી કરી હતી. જે બાદ તેમણે ૧૯૭૨માં ફિલ્મ ‘શોર’માં એક પ્યાર કા નગમા હૈ સોન્ગ આપ્યું, જે લક્ષ્મીકાંત-પ્યારેલાલે કમ્પોઝ કર્યું હતું. જેને મુકેશ અને લતા મંગેશકરે અવાજ આપ્યો હતો. બાદમાં સંતોષ આનંદને ફિલ્મ રોટી કપડા ઔર મકાનના (૧૯૭૪) સોન્ગ ‘મેં ના ભૂલૂંગા’ અને વર્ષ ૧૯૮૩માં ફિલ્મ ‘પ્રેમ રોગ’ના સોન્ગ ‘મહોબ્બત હૈ ક્યા ચીઝ’ માટે ફિલ્મફેર અવોર્ડ્સ પણ મળ્યા હતા.