ગ્રાહકો માટે ચેકથી પેમેન્ટ હવે વધુ સુરક્ષિત
બેંક ઓફ બરોડાએ પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું
પોઝિટિવ પે સિસ્ટમ મુજબ ચેક ડિટેલ્સને ત્યારે જ રિકન્ફર્મ કરવાની રહેશે જ્યારે તેઓ ૨ લાખ અથવા તેનાથી વધુ રકમનો બેન્ક ચેક જારી કરશે.
મુંબઈ, દર મહિનાની પહેલી તારીખથી દેશમાં કેટલાક નવા ફેરફારો લાગુ કરવામા આવે છે. આ ફેરફારો કાં તો નવા નિયમોના રૂપમાં અથવા જૂના નિયમોમાં સુધારા તરીકે થાય છે. અથવા નવી યોજના અથવા ભાવમાં ફેરફાર લાગુ થાય છે. ૧ જૂન ૨૦૨૧ એટલે કે આજથી પણ કેટલાક ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે. આ નિયમોની તમારા પર પણ સીધી અસર પડશે. ચાલો આપણે આ ફેરફારો વિશે જાણવું રસપ્રદ બની રહેશે.
બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે ચેકથી પેમેન્ટ હવે વધુ સુરક્ષિત થઈ ગયું છે. ચેકથી થતી છેતરપિંડીને અટકાવવા માટે બેંકે ૧ જૂન ૨૦૨૧થી પોઝિટિવ પે કન્ફર્મેશન ફરજિયાત કર્યું છે. બેંક ઓફ બરોડાનું કહેવું છે કે તેના ગ્રાહકોએ પોઝિટિવ પે સિસ્ટમ મુજબ ચેક ડિટેલ્સને ત્યારે જ રિકન્ફર્મ કરવાની રહેશે જ્યારે તેઓ ૨ લાખ અથવા તેનાથી વધુ રકમનો બેન્ક ચેક જારી કરશે.
કોઈ પણ પોઝિટિવ પે સિસ્ટમ હેઠળ ચેક જારી કરશે તો તેણે તેની બેંકને સંપૂર્ણ વિગતો આપવાની રહેશે. આ સિસ્ટમમાં ચેક જારી કરનારને એસએમએસ, ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ અથવા મોબાઇલ બેંકિંગ દ્વારા ઈલેક્ટ્રોનિકલી ચેકની ડેટ, બેનેફિશિયરીનું નામ, એકાઉન્ટ નંબર, કુલ રકમ, ટ્રાન્ઝેક્શન કોડ અને ચેક નંબરની માહિતીની પુષ્ટિ કરવી પડશે.