Western Times News

Gujarati News

ચીન સરહદે ભારતે ૪૫ હજાર સૈનિકો તૈનાત કર્યાં

Files Photo

નવી દિલ્હી: ભારતીય સેનાએ લદ્દાખમાં પોતાની હાજરીને બેવડી સંખ્યામાં કરી દીધી છે. છેલ્લાં કેટલાક માસમાં લદ્દાખમાં પૂર્વના અનેક છુટાંછવાયા વિસ્તારોમાં પણ સેના જવાનો તૈનાત થઈ ચૂક્યા છે. ચીનની સેના આ વિસ્તારોમાં વાસ્તવિક સ્થિતિમાં બદલવા અવનવા કરતૂત કરી રહ્યું છે. તેને જ લઈ ભારત દ્વારા હવે ચોતરફ બાજનજર રાખવામાં આવી રહી છે. સરહદ પર સુરક્ષા એજન્સીઓની જુદી જુદી સમીક્ષાઓ દરમિયાન આ બાબતો સામે આવી છે.

ભારતીય સેનાએ સમગ્ર લદ્દાખ વિસ્તારમાં ૪૦થી ૪૫ હજાર જવાનોને તૈનાત કર્યા છે. પહેલાં આ સંખ્યા ૨૦થી ૨૪ હજારની આસપાસ રહેતી હતી. આ ઉપરાંત ભારતીય જમીનને સુરક્ષા માટે ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસના જવાનોની સંખ્યામાં પણ વધારી દીધી છે. એક અધિકારીના જણાવ્યા મુજબ ચીની સૈનિકોની સંખ્યા ભારતથી ઓછી છે. બીજી તરફની છાવણીમાં સૈનિકોની સંખ્યા ૩૦થી ૩૫ હજારની આસપાસમાં છે.

ચીન લદ્દાખના ઘણાં વિસ્તારો જેવા કે ચુમાર, દેપ્સાંગ, ડેમચોક, ગોરગા, ગલવાન, પેન્ગોગ ઝીલ, ટ્રિગ હાઈટ્‌સમાં વર્તમાન સ્થિતિમાં પોતાની મનમાની મુજબ બદલવાના પેંતરા રચી રહ્યું છે. તેની આ હિલચાલ અને કરતૂતો સેટેલાઈટ ઈમેજથી ઉજાગર થતાં ભારત દ્વારા પણ હવે તેને તેની જ ભાષામાં જવાબ આપવાની તૈયારી કરાઈ છે.

ભારતીય સેનાએ આકાશી નીરિક્ષણમાં પણ વધારો કર્યો છે. ગત મે માસના અંત સુધીમાં ચીને ગોરગાની નિકટ ટેન્ક અને આર્ટિલરી હથિયારોનો જમાવડો ઝડપભેર કર્યો હતો. આ પહેલાં પણ ચીની સેનાની ટુકડીઓ ત્યાં તૈનાત હતી. તેમની સાથે ચીને વધારાના કોમ્બેટ ફોર્સની તૈનાતી પણ વધારી છે.

અધિકારીના જણાવ્યા મુજબ ચીનની હિલચાલથી એ વાતની જાણ થઈ ગઈ કે તે પોતાની કોઈ મેલી મુરાદને જ પાર પાડવાની તૈયારી કરી રહ્યું છે. તે પણ માત્ર એક બે વિસ્તારમાં જ નહીં. તે અન્ય વિસ્તારો તરફ પણ ડોળો જમાવીને બેઠું છે. મે માસના આરંભ સાથે ચીને તેનો રંગ બદલવાનું શરૂ કર્યું હતું. ચીની સેનાએ આ વિસ્તારમાં ભારતીય સેનાને પેટ્રોલિંગ કરવામાં અવારનવાર રોકવાનો પ્રયાસ કર્યો. તેના જ પરિણામે પેટ્રોલ પોઈન્ટ પર બંને સેનાઓ વચ્ચે વાત હિંસક ઘર્ષણ સુધી પહોંચી હતી.

તે પછી પણ તણાવની સ્થિતિમાં સતત વધારો થતો ગયો અને બંને દેશોની સેના એકબીજાની સામે આવી ગઈ. ગત તા.૧૫મી જૂને ચીની સેનાની દગાખોરીના કારણે વાત એ હદે વણસી કે હિંસક ઘર્ષણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા. તેમાં અનેક ચીની સૈનિકોના પણ મોત અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરંતુ ચીન આજદિન સુધી સત્તાવાર રીતે તે માટે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.