ઠક્કરનગર પાસે ડમ્પર ચાલકની બેદરકારીથી લકઝરી બસને ટક્કર
ડમ્પર ચાલકની બેદરકારીથી લકઝરી બસને ટક્કર વાગતા પ્રવાસીઓ ઈજાગ્રસ્ત
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં બીઆરટીએસ બસની ટક્કરથી સર્જાયેલા અકસ્માતમાં બે ભાઈઓના મોત નીપજયા હતાં જેના પગલે ટ્રાફિક પોલીસતંત્ર દ્વારા તથા મ્યુનિ. કોર્પો. દ્વારા બીઆરટીએસ બસ ચાલકોને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે આ દરમિયાનમાં આજે સવારે ઠક્કરબાપાનગર ચાર રસ્તા પાસે લકઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓને ઈજા પહોચી હતી આ ઘટનાથી નાગરિકોમાં ભારે રોષ જાવા મળતો હતો અને અફડાતફડીનો માહોલ સર્જાતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોચી ગઈ હતી.
આ અંગેની વિગત એવી છે કે શહેરમાં દિવસ દરમિયાન ખાનગી ભારે વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે જેના પગલે રાત્રિ દરમિયાન તથા શહેરના છેવાડાના વિસ્તારોમાં લકઝરી બસોની સતત અવરજવર રહેતી હોય છે.
શહેરના બાપુનગર વિસ્તારમાં લકઝરી બસનું મુખ્ય મથક છે અને આ સ્થળ પર તમામ લકઝરી બસો આવતી હોય છે. રીંગરોડ પર તમામ ખાનગી લકઝરી બસોની ઓફિસો આવેલી છે અને રાત્રિના ૧૦.૦૦ વાગ્યા બાદ અહિયા મોટી સંખ્યામાં નાગરિકો પણ આવતા હોય છે.
જેના પગલે રાતભર આ વિસ્તાર ધમધમતો હોય છે અને બહારગામથી આવતી લકઝરી બસો પણ વહેલી સવારે અહીયા ઉભી રહે છે રાતભર ધમધમતા આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લકઝરી બસો આવતી હોવાથી રીક્ષા ચાલકો પણ અહીયા જાવા મળતા હોય છે.
આજે વહેલી સવારે એક લકઝરી બસ રીંગરોડ પરથી ઠક્કરબાપાનગર પાસેથી પસાર થઈ રહી હતી આ દરમિયાનમાં પુરઝડપે ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે વળાંક લેવાનો પ્રયાસ કરતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને પસાર થઈ રહેલી લકઝરી બસને ટક્કર મારી હતી.
જેના પરિણામે બસમાં બેઠેલા પ્રવાસીઓએ ભારે બુમાબુમ કરી મુકી હતી. સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં લકઝરી બસમાં બેઠેલા કેટલાક પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી.
વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માતના પગલે લકઝરી બસમાં બેઠેલા પ્રવાસીઓએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ટેલરને હટાવી બસમાંથી ઈજાગ્રસ્ત પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતાં.
ડમ્પર ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું ચર્ચાઈ રહયું છે. વધુ એક વખત ડમ્પર ચાલકની બેદરકારી સામે આવી છે. તાજેતરમાં જ પાંજરાપોળ ચાર રસ્તા પર ડમ્પર ચાલકે એક યુવતિને કચડી નાંખી હતી અને ત્યારબાદ આજે સવારે ઠક્કરનગર પાસે લકઝરી બસને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.
ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી કુટેજ પણ બહાર આવ્યા છે અને તેમાં સ્પષ્ટપણે ડમ્પર ચાલકની બેદરકારી જાવા મળતી હોવાનું જાણવા મળી રહયું છે.