Western Times News

Gujarati News

માધવપુરામાં રીક્ષા ગેંગ ત્રાટકીઃ પ્રવાસીઓના કીંમતી માલ સામાનની ચોરી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાથી શટલ રીક્ષાઓ ફરવા લાગી છે અને આ  પરિસ્થિતિનો  લાભ લુંટારુઓ અને તસ્કર ગેંગો ઉઠાવી રહી છે જેના પરિણામે શહેરમાં રોજ જુદા જુદા વિસ્તારોમાં રીક્ષામાં ફરતી આ ટોળકીઓ ત્રાટકીને પ્રવાસીઓના કીંમતી માલ સામાનની ચોરી અને લુંટફાટ કરી રહી છે. શહેરના માધવપુરા વિસ્તારમાં એક યુવકના રૂ.૪૦ હજાર રોકડા ચોરી કરી તેને રસ્તામાં જ ઉતારી રીક્ષા ગેંગ ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ખુલ્લેઆમ શટલ રીક્ષાઓ દોડવા લાગી છે ટ્રાફિક પોલીસતંત્ર દ્વારા આવી રીક્ષાઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના પરિણામે પોલીસતંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે. દ્વિચક્રીય વાહન ચાલકો પાસેથી દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય તેવી પરિસ્થિતિનોજાવા મળી રહી છે.

શહેરમાં ખુલ્લેઆમ ફરતી શટલ રીક્ષાઓનો લાભ લુંટારુ ગેંગો કરવા લાગી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેટલીક રીક્ષાઓમાં ફરતી તસ્કરો અને લુંટારુઓની ગેંગ લુંટફાટ કરીને પલાયન થઈ જતી હોય છે આ ટોળકીઓ રોજ નાગરિકોને લુંટી રહી છે પરંતુ શટલ રીક્ષાઓ સામે કોઈ જ કાર્યવાહી કરાતી નથી.

શહેરના મેઘાણીનગર ભાર્ગવ રોડ પર યુવાળનગર વિભાગ-ર માં રહેતા નરોત્તમભાઈ ગંગારામભાઈ મેહરિયા રાત્રિના સમયે રીક્ષામાં બેસી પસાર થઈ રહયા હતાં
આ રીક્ષામાં રીક્ષાચાલક ઉપરાંત તેના સાગરિતો પણ બેઠેલા હતાં નરોત્તમભાઈની સીટ પર બેઠેલા શખ્સોએ તેમના ખિસ્સામાંથી રોકડા રૂ.૪૦ હજાર તફડાવી લીધા હતાં. રીક્ષા ઈદગાહ બ્રીજની નીચે પહોંચતા જ ચાલકે રીક્ષા રસ્તાની સાઈડમાં ઉભી રાખી હતી.

અચાનક જ રીક્ષા ઉભી રાખવામાં આવતા નરોત્તમભાઈએ કેમ રીક્ષા ઉભી રાખી છે તેમ પુછતા ચાલકે કહયુ હતું કે કલ્ચનો વાયર તુટી ગયો છે આ દરમિયાનમાં રીક્ષા ચાલકે નરોત્તમભાઈને નીચે ઉતારી દીધા હતા અને ગણતરીની સેંકડોમાં જ રીક્ષાચાલક અને તેની ગેંગ ત્યાંથી ભાગી છુટી હતી. અચાનક જ રીક્ષા જતી રહેતા નરોત્તમભાઈને શંકા ગઈ હતી.

પોતાના ખિસ્સા તપાસતા રોકડા રૂ.૪૦ હજાર મળ્યા ન હતા જેના પરિણામે તેમણે બુમાબુમ કરી મુકી હતી અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં ત્યારબાદ વૃધ્ધ નરોત્તમભાઈ માધવપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં રીક્ષા ગેંગનો આંતક દિવસેને દિવસે વધવા લાગ્યો છે અને રોજ જુદા જુદા વિસ્તારોમાં આવી ઘટનાઓ ઘટી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.