ડાકોર પગપાળા જતા યાત્રીકોની સુવિધા માટે ચોક્કસ માર્ગો પર વાહનોની અવર જવર પર પ્રતિબંધિત
આગામી તારીખ 3 માર્ચ 2020 થી તારીખ 10 માર્ચ 2020 દરમિયાન ડાકોર ખાતે ફાગણ સુદ પૂનમનો મેળો ભરાનાર હોય યાત્રાળુઓ અમદાવાદ શહેરથી હાથીજણ સર્કલ થઈ હીરાપુર ચોકડી તરફથી ડાકોર પગપાળા દર્શનાર્થે જતા હોય છે. ડાકોર પગપાળા દર્શનાર્થે જતા દર્શનાર્થીઓને વાહનોની અવરજવરને કારણે અકસ્માતો અને જાનહાનિ થવાનો ભય રહે છે. જેથી નીચે જણાવેલ રૂટ ઉપર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવે છે.
પ્રતિબંધિત માર્ગ 1: હાથીજણ સર્કલથી હીરાપુર ચોકડીથી ડાકોર તરફ જતા રોડ ઉપર તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે તારીખ 3 માર્ચ થી ૧૦ માર્ચ સુધી પ્રતિબંધિત રહેશે. પ્રતિબંધિત માર્ગ 2: જશોદા નગર ચાર રસ્તાથી હાથીજણ સર્કલ સુધીનો માર્ગ તારીખ 3 માર્ચ થી ૧૦ માર્ચ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગ: અમદાવાદ હાથીજણ સર્કલથી તમામ વાહન-વ્યવહાર રીંગરોડની બંને તરફ ડાયવર્ટ થઈ એક્સપ્રેસ હાઈવે તથા અસલાલી રીંગરોડ તરફ આવ-જા કરી શકશે અને જશોદાનગરથી તમામ વાહન વ્યવહાર એક્સપ્રેસવે તરફ તથા નારોલ સર્કલ તરફ આવ-જા કરી શકશે. આ જાહેરનામું ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સેવાઓ, તથા સરકારી વાહનોને કામગીરી દરમિયાન તેમજ પદયાત્રીઓની સુખાકારી માટે જે વાહનો જાય તે વાહનોને લાગુ પડશે નહીં. ઉક્ત જાહેરનામાનો અમલ તારીખ 10 માર્ચ 2020 ના કલાક 24:00 સુધી કરવાનો રહેશે એમ શહેર પોલીસ કમિશનર શ્રી આશિષ ભાટિયાની અખબારી યાદીમાં જણાવાયું છે.