પતિને દારૂ પીવાના ના પાડનારી પત્નીને માર મારવાની ધમકી
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક પરિણીતા પર દહેજ અને અન્ય બાબતોને લઈને સાસરિયાઓ શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારતા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. મહિલાનો આરોપ છે કે લગ્ન બાદ તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા.
લગ્નના બીજા જ દિવસે તેના સાસરિયાઓએ તેણીને કહ્યું હતું કે, તારી જેઠાણી પ્રેગનેન્ટ છે, તારે તેની સેવા કરવાની છે. તારો પગાર તેના કરતાં ઓછો છે. એટલે નોકરી છોડી ઘર સંભાળ. સાથે સાથે પરિણીતાને તેના પતિએ ધમકી આપી હતી કે, જાે તું નોકરી નહીં છોડે તો તને છૂટાછેડા આપી દઈશ. જે બાદમાં મહિલાએ નોકરી છોડી દીધી હતી.
લગ્ન બાદ સાસરીના લોકો તેણી પાસે નોકરની જેમ કામ કરાવતા હતા. મહિલાના સાસુ નાની-નાની બાબતોમાં ઉશ્કેરાઈ જઇને વાસણોના છૂટ્ટા ઘા કરતા હતા. સાથે મ્હેંણા ટોંણા મારતા કે તારા પિતા ગરીબ છે. તું લગ્નમાં કશું લાવી નથી. એટલું જ નહીં, તેણીના સાસુ તેના પતિની ચઢામણી કરતા હતા, જે બાદમાં પતિ તેણીને માર મારતો હતો. મહિલાનો પતિ ક્યારેક દારૂ પીને ઘરે આવતો હતો અને બીભત્સ ગાળો બોલતો. એટલું જ નહિ તે મહિલાને પણ જબરજસ્તીથી દારૂ પીવડાવતો હતો. જાે મહિલા ના પાડે તો ગળું દબાવીને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.
જાન્યુઆરી ૨૦૧૮માં તેમણે મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. જ્યાં પણ મહિલાના પતિ તેની સાથે દોડ્યા ન હતા અને સ્ટાફની છોકરીઓ સાથે હાથ પકડીને દોડીને મહિલાને એકલી પડી દીધી હતી. જ્યારે મહિલાના પિતાએ મકાન વેચતા તેમાંથી રૂપિયા ચાર પાંચ લાખ લઈ આવવા માટે પણ મહિલાને તેનો પતિ દબાણ કરતો હતો.
મહિલા તેના પતિનો ફોન જાેવા માંગે તો આપતો ન હતો અને જાે મહિલા ફોન લે તો તેને લાફો મારી દેતો હતો. આમ મહિલાને ત્રાસ આપીને તેના દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂકી પાસપોર્ટ તેમજ અન્ય ડોક્યુમેન્ટ નહીં આપતા મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે હાલ આ સમગ્ર મામલે હાલમાં મહિલાના પતિ અને સાસરિયા વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.