પથ્થરકુવા નજીક ધોળે દિવસે ડેકીનું લોક તોડી રૂપિયા એક લાખની ચોરી
વેપારી રૂપિયા ભરવા એટીએમમાં ગયો ઃ ગણતરીની મિનિટોમાં ચોરીની ઘટના બની
(પ્રતિનિધિ) અમદાવાદ,
કેટલાંક દિવસ અગાઉ ખાનપુર ખાતે રહેતા વેપારી સુરતથી આંગડીયામાં આવેલા રૂપિયા એક લાખ લઈને પથ્થરકુવા નજીક એટીએમમાં ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સે બાઈકની સાઈડ ડેકીનું લોક તોડીને રૂપિયા એક લાખની ચોરી કરી હતી.
વેપારી સોહેલ અજીજભાઈ હાલાઈ (ર૪) ખાનપુર ઈમદાદે મરીઝ કમીટી ખાતે એકલા રહે છે તે મૂળ કોડીનારના છે ગઈ તા.રપમી એ સુરતથી એક વેપારીએ મોકલાવેલા રૂપિયા લઈ જવા અંગે રતનપોળની આંગડીયા પેઢી પી. દિનેશમાંથી તેમને ફોન આવ્યો હતો જેથી તે સાંજે છ વાગ્યે મિત્રો અફજલ પીરાણી અને માહીરનેલઈને આંગડીયામાંથી રૂપિયા લેવા ગયા હતા રૂપિયા એક લાખ બાઈકની ડેકીમાં મુકી તે પથ્થરકુવા નજીક એક એટીએમમાં ગયા હતા જયાંથી પરત બાઈક પાસે આવતા ડેકીનું લોક તુટેલુ જાયું હતું અને રૂપિયા એક લાખ ગાયબ હતા જેના પગલે તેમણે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ડેકીનું લોક તોડી એક લાખની ચોરીની ફરીયાદ નોંધાવી હતી. ગણતરીની મિનિટોમાં જ ચોરી થતાં ચોર શરૂઆતથી જ તેમનો પીછો કરી રહયો હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે. આ અંગેની ઝીણવટપૂર્વકની તપાસ કારંજ પોલીસે હાથ ધરી છે.