ફાર્મસી, લાઈફ સાયન્સ ક્ષેત્રે કાર્યરત રહેવા માટે જીટીયુ અને આજીલેન્ટ ઈન્ડિયા પ્રા. લિ. વચ્ચે એમઓયુ
અમદાવાદ, રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીક યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા આજરોજ જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી(જીએસપી) ગાંધીનગર ખાતે ફાર્મસીના સોફેસ્ટીકેટેડ ઈન્સ્ટ્રૂમેન્ટના ઉત્પાદન સાથે સંકળાયેલ મૂળ અમેરીકાની આજીલેન્ટ ઈન્ડિયા પ્રા. લિ. અને જીટીયુના સંયુક્ત ઉપક્રમે આજીલેન્ટ સેન્ટર ફોર એક્સલેન્સનો શુભારંભ કરવામાં આવ્યો છે.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હાજર જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ગુજરાત એ ફાર્મા ક્ષેત્રનું હબ છે. વિવિધ પ્રકારના પ્રોજેક્ટ અને રીસર્ચ માટે સમયાંતરે વિદ્યાર્થીઓ અને રીસચર્સને પણ આ સેન્ટરના લોકાર્પણથી બહોળા પ્રમાણમાં લાભ થશે , જે આર્ત્મનિભર ભારત અભિયાનને વેગવંતુ બનાવશે.
આ પ્રસંગે આજીલેન્ટ ટેક્નોલોજીના કન્ટ્રી જનરલ મેનેજર ડૉ. સમીર વ્યાસ , જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીટીયુ જીસેપીના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ સંદર્ભે ડૉ. સમીર વ્યાસે જણાવ્યું હતું કે, જીટીયુ અને આજીલેન્ટના સંયુક્ત પ્રયાસથી આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ અને રીસચર્સને વિનામૂલ્યે સમયાંતરે ટ્રેનિંગ આપવામાં આવશે. જેના થકી ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત વિદ્યાર્થીઓની સ્કીલમાં વધારો થશે.
આ ઉપરાંત એમએસએમઈ કંપનીઓમાં પણ યોગ્ય રીતે આ સેન્ટર મદદરૂપ થશે. આજીલેન્ટ સેન્ટર ફોર એક્સલેન્સ ખાતે ફાર્મસી, લાઈફ સાયન્સ , અને બાયોફાર્માસ્યૂટીકલ્સના ક્ષેત્રે કાર્યરત વિદ્યાર્થીઓ , ફેકલ્ટીઝ અને રીસચર્સને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. વિશેષમાં સમયાંતરે આજીલેન્ટના તજજ્ઞો દ્વારા સેન્ટરની મુલાકાત લઈને સ્ટુડન્ટના પ્રોજેક્ટ્સલક્ષી પણ મદદ પૂરી પાડવામાં આવશે.
આજીલેન્ટ સેન્ટર ફોર એક્સલેન્સના સફળ સંચાલન અર્થે જીટીયુ અને આજીલેન્ટ ઈન્ડિયા પ્રા. લિ. વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા હતાં. જેના પર આજીલેન્ટ ઈન્ડિયા પ્રા. લિ.ના કન્ટ્રી જનરલ મેનેજર ડૉ. સમીર વ્યાસ અને જીટીયુ જીસેપીના ડાયરેક્ટર પ્રો. ડૉ. સંજય ચૌહાણે હસ્તાક્ષર કર્યા હતાં, જીટીયુના કુલપતિ , કુલસચિવ અને જીસેપી ડાયરેક્ટરે સેન્ટરના સફળ લોકાર્પણ બદલ પ્રો. કશ્યપ ઠુમ્મરને અભિનંદન પાઠવ્યા હતાં.HS