બાળકોના ભવિષ્યના સ્વપ્નાઓને પૂરા કરવા તેજલબેન યુક્રેનમાં જોબ કરવા ગયા
તેજલબેન યુક્રેનમાંથી સહી-સલામત નીકળીને પોલેન્ડ તો પહોંચી ગયા પણ હવે તેઓ ત્યાંથી સ્વદેશ પાછા આવવાને બદલે પોલેન્ડમાં જ નવી જોબ શોધીને બાળકોના સ્વપ્ન પૂરા કરવામાં લાગી ગયા
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ વીડિયો કોલ કરીને તેજલેબેન સાથે વાતચીત કરીને ત્યાંની માહિતી પણ પ્રાપ્ત કરી હતી
અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા તેજલબેન પટેલ બાળકોના ભવિષ્યના સ્વપ્નાઓને પૂરા કરવા યુક્રેનમાં જોબ કરવા ગયા પણ તેમને સ્વપ્ને ખ્યાલ નહોતે કે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધગસ્ત પરિસ્થિતિ સર્જાશે.
હાલમાં તેજલબેન યુક્રેનમાંથી સહી-સલામત નીકળીને પોલેન્ડ તો પહોંચી ગયા છે પણ હવે તેઓ ત્યાંથી સ્વદેશ પાછા આવવાને બદલે પોલેન્ડમાં જ નવી જોબ શોધીને બાળકોના સ્વપ્નાઓને પૂરા કરવામાં લાગી ગયા છે.
આ અંગે વાત કરતા તેજલબેનના હસબન્ડ હેમંતભાઇએ જણાવ્યું કે, આજે અમદાવાદના કલેક્ટરશ્રી સંદીપ સાગલેએ અમારા પરિવારની મુલાકાત લઇને આશ્વાસન આપ્યું છે અને બનતી તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી પણ આપી છે.
હેમંતભાઇએ કહ્યું કે, અમારા પરિવારને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આવી પરિસ્થિતિ સર્જાશે. હાલમાં મારી વાઇફ યુક્રેનમાંથી સહી-સલામત નીકળીને પોલેન્ડ પહોંચી ગઇ છે. પોલેન્ડમાં ઇન્ડિય એમ્બેસી દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવી છે. મારા સંબંધીઓ પણ ત્યા હોવાથી પોલેન્ડમાં તરત જ જોબ પણ મળી ગઇ છે.
અમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે મારો પરિવાર સતત સંધર્ષ કરી રહ્યો છે. હું અત્યારે રિક્ષા ચલાવીને જ્યારે મારા મધર – ફાધર થેલીઓ સીવીને મને કામમાં મદદ કરી રહ્યા છે. મારી પત્ની યુક્રેનમાં જોબ કરીને બાળકોના સ્વપ્નાઓને સાકાર કરવામાં લાગી છે.
મારે હાલમાં એક દિકરો અને દિકરી છે, દિકરો અત્યારે 11માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે દીકરી 8માં ધોરણમાં અભ્યાસ કરે છે. અમે જે સંધર્ષમાંથી પસાર થઇ રહ્યા છે એ સંધર્ષ અમારા બાળકોને ન કરવો પડે તે માટેના તમામ પ્રયત્નો અમારો પરિવાર કરી રહ્યો છે અને અમે આમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં માંગીએ છીએ.
આ મુલાકાત દરમ્યાન અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રી સંદીપ સાગલેએ વીડિયો કોલ કરીને તેજલેબેન સાથે વાતચીત કરીને ત્યાંની માહિતી પણ પ્રાપ્ત કરી હતી. અહેવાલ – ગોપાલ મહેતા