બિહાર પુર તાંડવ: પટણાના ભાગ હજુય પાણીમાં ગરકાવ
રાજેન્દ્ર નગર સહિતના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર |
પટણા, બિહારમાં ભારે વરસાદના કારણે આવેલા પુરના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. બિહારમાં હવે વરસાદ બિલકુલ નથી પરંતુ સ્થિતિમાં સુધારો થઇ રહ્યો નથી. પાટનગર પટણાના કેટલાક ભાગો તો હજુ પણ જળબંબાકાર થયેલા છે. પુનપુન નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર છે. જેના કારણે દાનાપુર રેલવે ટ્રેક પર પાણી ભરાઇ ગયા છે. પટણા-ગયા વચ્ચે ટ્રેન સેવા બંધ રાખવામાં આવી છે. આવી જ રીતે સપટણા અને રાજગીર વચ્ચે પણ ટ્રેન સેવા બંધ રાખવામાં આવી છે.
પટણામાંથી પસાર થતી ગંગા નદીમાં પાણીની સપાટી વધી છે જેથી હાલત કફોડી છે. રાજેન્દ્રનગર, ન્યુ પાટલીપુત્ર અને અન્ય વિસ્તારોમાં આવેલી સોસાયચી અને વિસ્તારો હજુ જળબંબાકાર થયેલા છે. હવામાન વિભાગે સ્થિતિ સામાન્ય બને તે પહેલા ફરી એકવાર ભારે વરસાદની ચેતવણી જારી કરી દીધી છે. જેના કારણે ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી દેવામાં આવી છે. પટણાના તમામ સ્કુલો અને કોલેજને હાલમાં બંધ રાખવામાં આવ્યા છે.
પટણામાં આવતીકાલે પણ તમામ સ્કુલો અને કોલેજને બંધ રાખવામાં આવનાર છે. ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો હજુ જળબંબાકાર થયેલા છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન અશ્વિની ચોબેએ રોગચાળાને લઇને દહેશત વ્યક્ત કરી છે. બિહારના મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે કહ્યુ છે કે પુરના કારણે ૭૩ લોકોના મોત થયા છે. નવ લોકો ઘાયલ થયા છે. પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને ભાજપના નેતા રામકૃપાલ યાદવ બુધવારના દિવસે પાટલિપુત્રમાં પુરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગયા હતા.
પાટનગર પટણામાં હાલત કફોડી બનેલી છે. ચારેય બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. મકાનો, સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. મંત્રીઓ અને નેતાઓના આવાસ પર પાણી ઘુસી ગયા છે. પટણાથી પ્રાપ્ત અહેવાલ મુજબ રાજેન્દ્રનગર, કંકરબાગ, ન્યુ પાટલીપુત્ર, રૂપાસપુર અને જગનપુરા જેવા વિસ્તારોમાં આવેલી સોસાયટી ખાતે પાણી ભરાઇ ગયા છે. સેન્ટ્રલ વોટર કમીશનના હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નદીઓમાં પાણીની સપાટી હજુ સ્થિર રહી શકે છે. બિહારમાં પુરના કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હાલમાં આંકડો ૭૫ થયેલો છે.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆત બાદથી બિહારમાં પુરના કારણે મોતનો આંકડો ૭૫ ઉપર પહોંચી ગયો છે. રાજ્યના પાટનગર પટણા સહિત રાજ્યના ૧૫ જિલ્લામાં પુર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. પટણામાં બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત રહેલા કર્મચારીઓ દ્વારા મુશ્કેલીમાં મુકાયેલા લોકોને ફુડ પેકેટનુ વિતરણ જારી રહ્યુ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીને દુર કરવા માટે હેવી ડ્યુટી પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગયા શુક્રવાર બાદથી જ અનેક વાણિજ્ય પેઢીઓ અને હોસ્પિટલોને પણ બંધ રાખવામાં આવી છે. કારણ કે ચારેબાજુ ભારે પાણી ભરાઇ ગયા છે.
ભારે વરસાદ માટે જવાબદાર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ હજુ પૂર્વીય ઉત્તરપ્રદેશ પર સર્જાયેલી છે. પટણા અને આસપાસના વિસ્તારોમાં હજુ ભારે વરસાદ થઇ શકે છે. જા કે આવનાર દિવસોમાં બ્રેકની સ્થિતિ રહી શકે છે. દેશમાં બિહારની સાથે સાથે ઉત્તરપ્રદેશ અને અન્ય રાજયોમાં પણ હાલત કફોડી રહી છે. બિહારમાં હવે રોગચાળાનો ખતરો પણ તોળાઇ રહ્યો છે.