Western Times News

Gujarati News

૧૨થી વધુ ખતરનાક આત્મઘાતી બોંબરો દિલ્હીમાં ઘુસ્યાના હેવાલ

કરો અથવા તો મરોના ટાસ્ક આપીને ત્રાસવાદીઓને મોકલાયા : ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વાતચીતના કેટલાક કોડને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા બાદ સુરક્ષા સંસ્થાઓ વધુ સક્રિય: એલર્ટની જાહેરાતની વચ્ચે સર્ચ ઓપરેશન

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ હચમચી ઉઠેલા ત્રાસવાદીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપવાના મુડમાં દેખાઇ રહ્યા છે. ખુબ જ વિશ્વસનીય સુત્રોએ કહ્યુ છે કે આશરે એક ડઝન જેટલા ત્રાસવાદીઓ દિલ્હીમાં ઘુસી ચુક્યા છે અને હુમલા માટે યોગ્ય તકની રાહ જાઇ રહ્યા છે. ગુપ્તચર સુત્રોએ કહ્યુ છે કે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પોક)માં બેઠેલા તેમના આકાઓ તરફથી સુચના મળ્યા બાદ આ ત્રાસવાદીઓ ઘુસી ગયા છે. જેશના ત્રણથી ચાર ટ્રેનિંગ મેળવી ચુકેલા ગ્રુપને કરો અથવા તો મરોના ટાસ્ક સાથે દિલ્હી, કાશ્મીર અને પંજાબમાં મોકલી દેવામાં આવ્યા છે. ત્રાસવાદીઓની વાતચીતને ટેપ કરવામાં આવી છે. જેમાં કેટલાક કોડ ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યા છે.

આ કોડમાં દિવાલી કે પટાખે , કાશ્મીર સેબીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવુ જાણવા મળ્યુ છે કે દિલ્હીમાં ભારે નુકસાન પહોંચાડી દેવાના ઇરાદા સાથે ગુપ્ત યોજના કાશ્મીરમાં તૈયાર કરવામાં આવી છે. આ પ્લાન પાંચ દિવસ પહેલા આશરે ૯૦૦ કિલોમીટરના કાશ્મીરમાં સફરજનના બગીચામાં તૈયાર કરવામા આવ્યા હોવાના હેવાલ મળ્યા છે. સિક્રેટ પ્લાનને ડી નામ આપવામાં આવ્યુ છે. ગુપ્તચર સંસ્થાઓ દ્વારા પોતાના એલર્ટમાં આ અંગેની સ્પેશિયલ માહિતી આપી હતી. કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આ પ્લાન તૈયાર કરાયો છે. પાચ દિવસ પહેલા જેશના પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓની એક ગુપ્ત બેઠક યોજાઇ હતી. જેમાં અબુ ઉસ્માને દાવો કર્યો હતો કે અમારા ભાઇ આ જગ્યાએ પહેલાથીજ પહોંચી ચુક્યા છે.

આ બેઠકમાં એક પાકિસ્તાની અને બે કાશ્મીરી ત્રાસવાદીઓની હાજરી હતી. અબુ ઉસ્માનની પાસે સ્નાઇપર રાઇફલ હતી. જ્યારે અન્ય ત્રણ ત્રાસવાદીઓની પાસે એકે ૪૭ રાઇફલ, પિસ્તોલ અને અન્ય હથિયારો હતા. ગુપ્તચર સંસ્થાઓને તમામ બાબતો અંગે માહિતી પાંચ દિવસ પહેલા જ મળી ગઇ હતી. એલર્ટ મળ્યા બાદ સુરક્ષા તમામ જગ્યાએ વધારી દેવામાં આવી છે. ત્રાસવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા બાદ દિલ્હીમાં તમામ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી છે. ખાસ કરીને ધાર્મિક સ્થળો, સિનેમા હોલ, અને માર્કેટમાં સુરક્ષા વ્યવસ્થાને મજબુત કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હિટલિસ્ટમાં છે. ત્રાસવાદીઓની ઘુસણખોરી અંગે માહિતી મળ્યા બાદ જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે જેમાં સિલમપુર, જામિયાનગરનો સમાવેશ થાય છે. જુદા જુદા વિસ્તારમાં દરોડા દરમિયાન શખ્સો પર નજર પણ રાખવામાં આવી હતી. પહાડગંજ નજીક સેન્ટ્રલ દિલ્હીની બે જગ્યાઓ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.સંભવિત ત્રાસવાદી ખતરાને ધ્યાનમાં લઇને દિલ્હીમાં ચાર સુરક્ષા સંસ્થાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એલર્ટના લેવલને વધારીને ઓરેન્જ કરી દેવામાં આવ્યું છે.

ગુપ્તચર અહેવાલ ઇશારો કરી રહ્યા છે કે, જૈશના ત્રાસવાદીઓ વડાપ્રધાન મોદી અને એનએસએ અજીત દોભાલને ટાર્ગેટ કરવા માટે ખાસ ટુકડી બનાવી ચુક્યા છે. જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જા પરત લઇ લેવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓ અને પાકિસ્તાન સરકાર હચમચી ઉઠી છે. તેમના દ્વારા દ્વારા સતત નાપાક હરકત કરવામાં આવી રહી છે. ત્રાસવાદીઓની મિટિંગમાં હુમલાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. એલર્ટ મળ્યા બાદ સુરક્ષા વધારી દેવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. સ્પેશિયલ સેલ દ્વારા દિલ્હીમાં અનેક વિસ્તારોમાં સર્ચ કામગીરી હાથ ધરી છે. દરોડા પણ પાળવામાં આવી રહ્યા છે. તમામ જિલ્લા ડીસીપી, એસીપી અન્ય સંબંધિતોને કડક સુચના આપવામાં આવી છે. ઉત્તર ભારતના તમામ એરપોર્ટ પર હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદથી આતંકવાદીઓ સતત હુમલાના પ્રયાસમાં છે. જે ત્રાસવાદીઓ ઘુસણખોરી કરી રહ્યા છે. તેમાં અફઘાનિ અને પાકિસ્તાની યુવકો સામેલ છે. આ ટોળકીમાં આત્મઘાતી બોમ્બરો છે. ટોળકીને સુરક્ષિત રસ્તાથી ઘુસણખોરી કરાવવામાં આવી છે. તેમના ટાર્ગેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ છે.

આ ત્રાસવાદીઓ પુલવામા જેવા હુમલા, કંદહાર વિમાન અપહરણ કાંડ જેવી ઘટનાઓને અંજામ આપવા ઈચ્છુક છે. સાથે સાથે હમેશા ભરચક રહેતા વિસ્તારોને પણ ટાર્ગેટ બનાવી શકે છે. જમ્મુ, પઠાણકોટ, શ્રીનગર અને લેહ ત્રાસવાદીઓની નજર રહેલી છે. પાંચમી ઓગસ્ટ બાદથી જૈશ પોતાના હુમલાખોરોને ભારતમાં ઘુસાડવાની યોજના તૈયાર કરી હતી. જેના ભાગરૂપે આગળ વધી રહ્યા હતા અને હાલમાં સફળતા પણ મળી છે. સેનાના વડા પણ કબુલ કરી ચુક્યા છે કે, જૈશના એક ટોળકીના આતંકવાદીઓ કાશ્મીરી ત્રાસવાદી કમાન્ડર અબુ ઉસ્માનના તાલીમ પામેલા ત્રાસવાદીઓ છે. ત્રાસવાદીઓ ઘાતક ઈરાદા ધરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.