ભારતને દુશ્મન નંબર ૧ ગણતો ખૂંખાર આતંકી અફઘાનિસ્તાનનો ગૃહમંત્રી બન્યો

નવીદિલ્હી, તાલિબાને અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકારની જાહેરાત કરી દીધી છે. ખૂંખાર આતંકીઓને પ્રધાનમંત્રીથી લઈને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. યુએનની આતંકીઓની સૂચિમાં સામેલ મુલ્લા હસન અખુંદને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યો છે. જ્યારે અમેરિકાની મોસ્ટ વોન્ટેડ આતંકીની સૂચિમાં સામેલ સિરાજુદ્દીન હક્કાનીને ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે. મુલ્લા બરાદરને ડેપ્યુટી પીએમ બનાવવામાં આવ્યા છે.
ભારતને દુશ્મન નંબર વન માનનારો સિરાજુદ્દાન હક્કાની એફબીઆઇની હિટલિસ્ટમાં સામેલ છે. અમેરિકાએ આ આતંકીના માથે ૫ મિલિયન ડોલર એટલે કે લગભગ ૩૮ કરોડ રૂપિયાનું ઈનામ રાખેલું છે. મળતી માહિતી મુજબ હક્કાની પહેલા રક્ષામંત્રીના પદ માટે અડી ગયો હતો. જેના કારણે તેનું મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા યાકુબ અને તાલિબાનના સહ સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે ઘર્ષણ પણ થયું. પરંતુ ત્યારબાદ તે માની ગયો અને આ રીતે હક્કાની નેટવર્કનો ચીફ અફઘાનિસ્તાનના ગૃહમંત્રી પદ માટે રાજી થયો.
સિરાજુદ્દીન હક્કાનીનો નાતો પાકિસ્તાનના નોર્થ વજીરીસ્તાન વિસ્તાર સાથે છે. તેના આતંકી સંગઠન હક્કાની નેટવર્કના અલ કાયદા સાથે પણ નીકટના સંબંધ રહ્યા છે. એક સમયે હક્કાનીએ પાકિસ્તાનમાં રહીને અફઘાનિસ્તાનમાં અનેક આતંકી હુમલા કરાવ્યા હતા. જેમાં અમેરિકા અને નાટો સેનાઓને નિશાન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત ૨૦૦૮માં હામિદ કરઝઈની હત્યાનું ષડયંત્ર રચવાના મામલે પણ સિરાજુદ્દીન હક્કાની સામેલ રહ્યો હતો.
તાલિબાનના અબ્દુલ બાકી હક્કાનીને શિક્ષણમંત્રીનું પદ મળ્યું છે. અત્રે જણાવવાનું કે અબ્દુલ પણ એક આંતરરાષ્ટ્રીય આંતકી છે અને સંયુક્ત રાષ્ટ્રએ તેને ૨૦૦૧થી બ્લેક લિસ્ટ કરેલો છે. હવે વિચારો કે એક આંતરરાષ્ટ્રીય આતંકી જ્યારે શિક્ષણ મંત્રી હશે તો અફઘાનિસ્તાનના શિક્ષણની હાલત કેવી રહેશે. આ બધા વચ્ચે તાલિબાને અફઘાનિસ્તાનમાં શાળા અને કોલેજ જનારી છોકરીઓ માટે નવા નિયમો પણ બનાવ્યા છે.HS