મહારાષ્ટ્રમાં ભાઈએ પ્રેગ્નન્ટ બહેનનું માથું ધડથી અલગ કરી દીધું

ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં રૂંવાડાં ઊભાં કરતી ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. ઔરંગાબાદના વૈજાપુર ડિસ્ટ્રિક્ટમાં એક યુવકે માતા સાથે મળીને તેની પ્રેગ્નન્ટ બહેનનું માથું ધડથી અલગ કરી દીધું છે. બહેનની હત્યા કર્યા પછી આરોપી જાતે જ હથિયાર લઈને પોલીસ સ્ટેશને પહોંચીને સરન્ડર કરી દીધું છે. પોલીસે નિવેદન પછી તેની માતાની પણ ધરપકડ કરી લીધી છે. માતા અને દીકરો બહેને લવ-મેરેજ કર્યા હોવાથી નારાજ હતાં.
ઘટના રવિવારે સાંજની લાડગાંવના શિવારમાં બની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી યુવકનું નામ સંજય મોટે અને મહિલાનું નામ શોભા છે. બંનેએ મળીને 19 વર્ષની કીર્તિ અવિનાશ થોરેની ધારદાર હથિયારથી હત્યા કરી દીધી છે. સંકેત બહેનથી એટલો નારાજ હતો કે તેણે બહેનને મારી દીધા પછી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું.
લાડગાંવ શિવારમાં રહેતા અવિનાશે કીર્તિ સાથે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. બંનેએ કોર્ટ મેરેજ કરીને ગોયગાંવમાં રહેવા લાગ્યાં હતાં. કીર્તિનાં પરિવારજનો લગ્નથી ખુશ નહોતાં. એમ છતાં છોકરીનો ભાઈ અને માતા તેના ઘરે આવવા જવા લાગ્યાં હતાં.
પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતમાં લોકોને એવું લાગ્યું કે કીર્તિનાં પરિવારજનોએ લગ્નને મંજૂરી આપી દીધી છે, પરંતુ છોકરીનાં પરિવારજનોના મગજમાં કંઈક અલગ જ ચાલતું હતું. રવિવારે કીર્તિનો ભાઈ અને માતા તેને મળવા તેના ઘરે આવ્યા હતા. ત્યારે ઘરના લોકો ખેતરે કામ પર ગયા હતા. ઘરે કીર્તિ અને તેનો પતિ અવિનાશ જ હતા.
અવિનાશની તબિયત સારી ના હોવાથી તે સૂતો હતો. ત્યારે કીર્તિ રસોડામાં ચા બનાવવા ગઈ તો પાછળ તેની માતા અને ભાઈ સંકેત પણ પહોંચ્યાં હતાં. રસોડામાં સંકેતે ધારદાર હથિયારથી કીર્તિના ગળા પર ત્યાં સુધી હુમલા કરવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી તેનું માથું ધડથી અલગ ના થઈ જાય.
અવિનાશને રસોડામાંથી કંઈક સામાન પડવાનો અવાજ આવતા તે દોડીને રસોડામાં પહોંચ્યો હતો. ત્યાં જઈને તેણે જોયું તો કીર્તિની લાશે બે ટુકડામાં જમીન પર પડી હતી. અવિનાશ આરોપી ભાઈને પકડી શકે એ પહેલાં જ તે હથિયાર લઈને ભાગી ગયો હતો.
જોકે ત્યાર પછી આરોપી સીધો પોલીસ સ્ટેશને જઈને તેણે સરન્ડર કર્યું હતું. પતિએ ચીસો પાડતાં અડોશપડોશને પણ ઘટનાની જાણ થઈ હતી અને તેમણે પોલીસને જાણ કરી હતી. સમગ્ર તપાસ પછી પોલીસે આરોપીની માતાની પણ ધરપકડ કરી લીધી છે.