Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પાેરેશનને પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ નડ્યોઃ પાંચ વર્ષમાં ખરીદી ખર્ચ બમણો થયો

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટાયેલી પાંખ અને વહીવટીતંત્ર પ્રજાના રૂપિયાનો ધૂમાડો કરી રહ્યા છે. નાના વેપારીઓની મિલ્કતો સીલ કરી ભરવામાં આવેલી તિજાેરી ઉત્સવો, મહોત્સવો, લાઈટબીલ અને પેટ્રોલ-ડીઝલ માટે ખાલી થાય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ઉત્સવો પર થોડા ઘણા અંશે બ્રેક વાગી છે.

જ્યારે લાઈટબીલ માટે છેલ્લા ત્રણ મહિનામાં બે વખત મ્યુનિ. કમીશ્નરે પરિપત્ર જાહેર કર્યા છે. તેમ છતાં સુધારો આવતો નથી. લગભગ આવી જ સ્થિતિ પેટ્રોલ અને ડીઝલના વપરાશની છે.

જેમાં દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થયેલા વધારાના પરીણામે છેલ્લા પાંચ વર્ષમાં પેટ્રોલ-ડીઝલનો ખર્ચ બમણો થયો છે.

અમદાવાદ મહાનગર સેવાસદનમાં સત્તાધારી પાર્ટીના તમામ હોદ્દેદારો, સબ કમીટી ચેરમેન, વિપક્ષી નેતાને અલગથી ઈનોવા ગાડી ફાળવવામાં આવે છે. તેવી જ રીતે મ્યુનિ. કમિશ્નર, તમામ ડે.મ્યુનિ.કમિશ્નરો, આસી.કમીશ્નર, તમામ એચ.ઓ.ડી., ચીફ ઓડીટર, મ્યુનિ.સેક્રેટરીને ગાડીની સવલત આપવામાં આવી રહી છે.

જેના ફળ સ્વરૂપ પેટ્રોલ-ડીઝલના વપરાશ અને ખર્ચમાં અસામાન્ય વધારો થયો છે. ૨૦૧૬-૧૭ના વર્ષમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી માટે રૂા.૮.૪૪ કરોડનો ખર્ચ થયો હતો. જેની સામે ૨૦૨૦-૨૧માં પેટ્રોલ-ડીઝલ માટે રૂા.૧૬.૮૯ કરોડનો ખર્ચ થયો છે.

નોંધનીય બાબત એ છે કે છેલ્લા ચાર વર્ષમાં પેટ્રોલના વપરાશમાં કોઈ મોટો ફેરફાર જાેવા મળ્યો નથી. પરંતુ ડીઝલનો વપરાશ વધ્યો છે. ૨૦૧૯-૨૦માં ૧૬ લાખ લીટર ડીઝલનો વપરાશ થયો હતો. જેની સામે ૨૦૨૦-૨૧માં ૨૧.૭૨ લાખ લીટર ડીઝલનો વપરાશ થયો છે.

આમ, માત્ર એક વર્ષમાં લગભગ પાંચ લાખ લીટર ડીઝલનો વપરાશ વધ્યો છે. જમાલપુર ફાયર-સ્ટેશન નામશેષ થયા બાદ ફાયર વિભાગ અને મ્યુનિ.કોર્પાેરેશનની ગાડીઓ માટે એક જ સ્થળેથી ખરીદી થતી હોવાથી ડીઝલના વપરાશમાં વધારો થયો હોવાના કારણે આપવામાં આવી રહ્યા છે.

મ્યુનિ.કમિશ્નરે લાઈટબીલમાં ઘટાડો કરવા માટે જે પરિપત્ર કર્યા છે તેવી જ રીતે પેટ્રોલ-ડીઝલ માટે પણ કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. મ્યુનિ.કોર્પાેરેશનના ઉચ્ચ અધિકારીઓને અંગત ઉપયોગ માટે પ્રતિ કિલોમીટર રૂા.પાંચના ભાવથી (ડ્રાયવર) સાથે ગાડી ફાળવવામાં આવે છે તે બંધ કરવી જરૂરી છે. તેવી જ રીતે ૫૦ ટકા કરતા વધુ અધિકારીઓ લંચ ટાઈમમાં ઘરે જતા હોય છે. જેના કારણે પણ ડીઝલ-પેટ્રોલના ખર્ચ વધી રહ્યા હોવાનું માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.