યુક્રેન પર હુમલો કરવાની તૈયારીમાં રશિયા! 1.30 લાખથી વધુ સૈનિકો સરહદ પર તૈનાત

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયા છે. યુક્રેનની સરહદ પર ૧ લાખ ૩૦ હજારથી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે રશિયાએ તોપ, ભારે હથિયાર અને મિસાઈલ પણ તૈનાત કરી છે. રિપોર્ટ અનુસાર રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. તે જ સમયે, અમેરિકાનું કહેવું છે કે ૧૬ ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો થઈ શકે છે.
અમેરિકા અને યુરોપિયન દેશો તરફથી રશિયા પર પ્રતિબંધો લાદવાની ચેતવણી આપવામાં આવી છે. જાે કે, તેની રશિયા પર કોઈ અસર નથી થઈ રહી. રવિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બિડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે પણ વાત કરી હતી.
અમેરિકી અધિકારીઓએ ગયા અઠવાડિયે યુક્રેનની સરહદ પર ૧ લાખ રશિયન સૈનિકો તૈનાત હોવાની માહિતી આપી હતી, પરંતુ હવે અધિકારીઓનું કહેવું છે કે ૧ લાખ ૩૦ હજારથી વધુ રશિયન સૈનિકો યુક્રેનની સરહદ પર ઉભા છે. તેમાંથી ૧.૧૨ લાખ સૈનિકો આર્મીના છે અને ૧૮ હજાર નેવી અને એરફોર્સના છે.
સીએનએનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. તે દક્ષિણમાં ક્રિમીઆ અને ઉત્તરમાં બેલારુસથી ઘેરાયેલું છે. આ સાથે જ રશિયાએ યુક્રેનની સરહદે પણ સૈનિકો તૈનાત કર્યા છે. યુએસ રિપોર્ટ્સ સૂચવે છે કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે.HS